શુભ મંગલ સાવધાન માત્ર ૧૧૦૦૦માં

03 October, 2020 08:27 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

શુભ મંગલ સાવધાન માત્ર ૧૧૦૦૦માં

શુભ મંગલ સાવધાન માત્ર ૧૧૦૦૦માં

વધતી જતી મોંઘવારી વચ્ચે સોમનાથ ટ્રસ્ટે સમાજ માટે આવકારદાયક અને સરાહનીય નિર્ણય લીધો છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા માત્ર ૧૧,૦૦૦ રૂપિયામાં વેદોક્ત, પુરાણોક્ત રીતે વર–વધૂનાં લગ્ન કરાવી આપવામાં આવશે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલા આ નિર્ણયને પગલે આવનારા દિવસોમાં વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ ડેસ્ટિનેશન વેડિંગ પ્લેસ બનશે.
શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મૅનેજર વિજયસિંહ ચાવડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મોંઘવારીને કારણે લગ્ન મોંઘાં થતાં જાય છે ત્યારે ગરીબ તેમ જ મધ્યમવર્ગને પોસાય એ માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવાયો છે, જેમાં ટ્રસ્ટ દ્વારા બનાવેલા ટૂરિસ્ટ ફૅસિલિટી સેન્ટરમાં લગ્ન મંગળ હૉલ બનાવાયો છે. આ હૉલમાં બ્રાહ્મણ દ્વારા વેદોક્ત-પુરાણોક્ત રીતે લગ્નવિધિ કરાવી આપવામાં આવશે, જે માત્ર ૧૧,૦૦૦ રૂપિયામાં સંપન્ન થઈ શકશે. હાલમાં કોરોનાને કારણે સરકારી ગાઇડલાઇન મુજબ લગ્ન-પ્રસંગમાં મહેમાનોને હાજર રહેવા દેવામાં આવશે અને જમવાની વ્યવસ્થા અલગ કરવાની રહેશે.’
બદલાયેલા સમયમાં ભગવાન સોમનાથના સાંનિધ્યમાં આવીને લગ્ન કરવા માટે ડેસ્ટિનેશન વેડિંગની રજૂઆત મંદિર સત્તાવાળાઓ સમક્ષ થતી આવી છે અને આજની યંગ જનરેશન ડેસ્ટિનેશન વેડિંગમાં ધાર્મિક સ્થાનોને પણ મહત્ત્વ આપી રહ્યું છે અને એની પસંદગી કરી રહ્યું છે ત્યારે હવે સોમનાથમાં પણ ડેસ્ટિનેશન વેડિંગની મનોકામના કપલ પૂરી કરી શકશે.
સોમનાથ ટ્રસ્ટ દ્વારા લગ્નવિધિ માટે સુશોભિત આધુનિક લગ્ન-હૉલ, સ્ટેજ, ચોરી, મહારાજા ખુરસી, લગ્નવિધિની સામગ્રી, બ્રાહ્મણ, મહેમાનો માટે ખુરસીની વ્યવસ્થા, દ્વાર–તોરણ, લગ્નછાબ, ૫૦ ફોટોગ્રાફ અને એની ડેટા સીડી, સંસ્થાનું પ્રમાણપત્ર, શ્રી સોમનાથ ભગવાનનો પ્રસાદ, વર-કન્યા માટે ફૂલહાર, ૨૫૦ ગ્રામ મીઠાઈ, ખેસ, આંતરપટ જેવી સુવિધા મળશે. ગવર્નમેન્ટ–મ્યુનિસિપલ લગ્ન-નોંધણી પ્રમાણપત્ર પણ અપાશે.

ahmedabad shailesh nayak gujarat