ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર BSFએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો

08 August, 2020 02:03 PM IST  |  Barmer | Gujarati Mid-day Online Correspondent

ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર BSFએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો

ઘૂસણખોરીનો પ્રયાસ કરનાર પાકિસ્તાની ઠાર મરાયો

ભારત-ચીનની સરહદ પર ઘૂસણખોરી હંમેશા થતી જ હોય છે. પરંતુ હવે દેશની અન્ય સરહદ પર પણ ઘૂસણખોરીના પ્રયાસો કરવામાં આવ્યાં છે અને આ બોર્ડર છે ગુજરાત-રાજસ્થાન બોર્ડર. ગુજરાત અને રાજસ્થાનને અડીને આવેલી પાકિસ્તાન સરહદ પાસેથી ઘૂસણખોરીનો પ્રયાસ કર્યાની પહેલી ઘટના બની છે. જો કે, BSFના જવાનોએ આ પ્રયાસને નાકામ બનાવતા પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો છે.

શુક્રવારે મોડી રાત્રે કચ્છ સરહદ નજીક બાડમેર જિલ્લામાં એક શખ્સ આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરતો જોવા મળ્યો હતો. BSFના જવાનોએ તેને રોકવા પ્રયાસ કર્યો હતો પરંતુ ઘૂસણખોર ભાગ્યો હતો અને ઝાડવા પાછળ છુપાઈ ગયો હતો. ત્યારબાદ BSFના જવાનોએ ફાયરિગ કર્યું હતું, જેમાં તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના સમયે પાકિસ્તાન તરફથી કેટલીક હિલચાલ પણ જોવા મળી હતી. આ ઘૂસણખોર અંગેની માહિતી BSFએ પાકિસ્તાન પાસેથી માગી છે.

આ પહેલા પણ દિવસ દરમિયાન ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેને જવાનોએ નાકામ બનાવ્યો હતો. જોકે ગુજરાત અને રાજસ્થાન સરહદને અડીને આવેલી પાકિસ્તાનની આ સરહદ પાસે આવી રીતે પહેલી વાર રાતના સમયે ઘૂસણખોરી જોવા મળી હતી. સ્વતંત્રતા દિવસને લઇને પાકિસ્તાન સરહદ પર BSF હાઈએલર્ટ પર છે. ત્યારે ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવતા BSF વધુ સતર્ક બન્યું છે.

BSFએ આ ઘટના બાબતે કહ્યું હતું કે, ગુજરાત-રાજસ્થાન બોર્ડર અતિસંવેદનશીલ છે. અગાઉ પાકિસ્તાનીઓ દ્વારા દિવસ દરમિયાન હાલચાલ કરાવાની ઘટના બની છે પરંતુ રાત્રિના અંધકારમાં ગુજરાત-રાજસ્થાનની આ બોર્ડર ક્રોસ કરવાનો આ પહેલો પ્રયાસ છે. હાલ 15 ઓગસ્ટ આવી રહી છે એટલે આમેય BSF દ્વારા તમામ સરહદો પર પેટ્રોલિંગ સઘન બનાવાયું છે. તેમાં પણ ગુજરાત-રાજસ્થાન બોર્ડરમાં રાત્રિના સમયે તારબંધીને ઓળંગીને ઘૂસણખોરી કરવાનો પાકિસ્તાની બાજુથી આ પહેલીવાર પ્રયાસ કરાયો હતો. આ એક નવી મોડસ ઓપરેન્ડી હોઈ શકે છે જેને ધ્યાનમાં રાખીને આવનારા દિવસોમાં આ સરહદે પહેરો વધુ ચુસ્ત બનાવાશે.

gujarat rajasthan pakistan