surgical strike 2: જાણો કેમ સંવેદનશીલ છે ગુજરાતની સીમા?

28 February, 2019 09:53 AM IST  |  ગાંધીનગર

surgical strike 2: જાણો કેમ સંવેદનશીલ છે ગુજરાતની સીમા?

ગુજરાતની સીમાની વધારવામાં આવી સુરક્ષા

દેશની હાલની સ્થિતિને જોતા ગુજરાતમાં હાઈ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યની તમામ સીમાઓ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ હોય કે શક્તિપીઠ અંબાજી, તમામ સ્થળોએ સઘન સુરક્ષા વ્યવસ્થા છે. ગુજરાતની સીમાઓ અને મહત્વના સ્થળો પર ચાંપતો બંદોબસ્ત રાખવાનું કારણ છે રાજ્યની સીમાઓની સંવેદનશીલતા.

કેમ સંવેદનશીલ છે સીમાઓ?

ગુજરાત પર જમીન, આકાશ અને દરિયો એમ ત્રણેય ફ્રન્ટ પરથી હુમલો થઈ શકે તેમ છે. કારણ કે કચ્છના રણની સીમા પાકિસ્તાનને અડે છે. જ્યાં ટેન્કથી હુમલો થઈ શકે છે. ગુજરાત સૌથી વિશાળ દરિયા કિનારો ધરાવે છે. જેથી દરિયો નૌ સેના એટલે કે નેવીના હુમલા માટે ખુલ્લો છે. અને પાડોશી દેશ પાકિસ્તાન હવાઈ માર્ગે પણ ગુજરાત પર હુમલો કરી શકે છે.

નિવૃત કેપ્ટન જયદેવ જોશીએ ગુજરાતની સીમા વિશે gujaratimidday.com સાથે વાત કરતા કહ્યું કે, 'ગુજરાત પર ત્રણેય રીતે હુમલો થઈ શકે છે. સાથે જ ગુજરાત માટે મહત્વના એવા ત્રણ બંદરો એટલે કે પીપાવાવ, કંડલા અને મુંદ્રા નાનામાં નાની મિસાઈલની પણ રેન્જમાં આવે છે. અહીં ક્રૂડ ઓઈલ મોટા પ્રમાણમાં સચવાયેલું છે. સાથે રોજ અહીંથી મોટા પ્રમાણમાં આયાત અને નિકાસ થાય છે, જેથી તેમને નિશાન બનાવવામાં આવે તેવી શક્યતા વધારે છે.'

ગુજરાતનો પાકિસ્તાન પ્રોપગેન્ડા તરીકે કઈ રીતે ઉપયોગ કરી શકે છે તેના પર વાત કરતા નિવૃત કેપ્ટન જયદેવ જોશી કહે છે કે,'1965ના યુદ્ધમાં કૃષ્ણનગરી દ્વારકા પર બોમ્બ ફેંકવામાં આવ્યો હતો અને આ જ વાતને પાકિસ્તાની મીડિયાએ દ્વારકા સળગી રહી છે, એમ કહીને ખૂબ જ ચગાવી હતી. જેથી પાકિસ્તાન સાયકોલોજિકલ રીતે પણ ગુજરાતનો ઉપયોગ કરી શકે છે. અને એટલે જ ગુજરાત સંવેદનશીલ છે.'

શા માટે એરપોર્ટ કરાયા હતા બંધ?

સવારે જ્યારે પાકિસ્તાનના બે એરક્રાફ્ટ ભારતની સીમામાં ઘૂસ્યા હોવાના અહેવાલો આવ્યા હતા, તે બાદ થોડા સમય માટે પાંચ એરપોર્ટને સામાન્ય નાગરિકો માટે બંધ કરવામાં આવ્યા હતા. સરકારના આ નિર્ણયથી સામાન્ય લોકોમાં એ જ સવાલ હતો કે આખરે શા માટે એરપોર્ટ બંધ કરવામાં આવ્યા હતા? જેનો જવાબ આપતા નિવૃત કેપ્ટન જયદેવ જોશીએ કહ્યું કે, 'સવારે પાકિસ્તાનના એયરક્રાફ્ટ જ્યાં જોવા મળ્યા હતો તે રહેણાંક વિસ્તાર છે. અને તેનું જમ્મૂ કે કશ્મીરના કોઈ પણ મોટા શહેરથી તેનું અંતર 30 જ મિનિટ છે. બંને દેશો એર ટુ એર ફાઈટ કરી રહ્યા હતા. જેને સેનાની ભાષામાં ડૉક ફાઈટ કહે છે. આ પ્રકારની ફાઈટમાં મિસાઈલ્સ છોડવામાં આવે છે. અને હવે જો આ વિસ્તારમાં ફ્લાઈટ્સ આવે તો તેને નુકસાન પહોંચી શકે છે. સાથે જ હવાઈ હુમલા સમયે રડારનો રસ્તો સાફ રહે તે માટે થોડા સમય માટે એરપોર્ટ પરની તમામ સામાન્ય ફ્લાઈટ રોકી દેવામાં આવી હતી.'

આ પણ વાંચોઃ રાજ્યમાં અલર્ટના પગલે સોમનાથની સુરક્ષા વધારાઈ, NSGની ટીમ ખડેપગે

ગુજરાતમાં અનેક જાણીતા યાત્રાધામો આવેલા છે. થોડા સમયે પહેલા IBએ આપેલા ઈનપુટ પ્રમાણે સ્ટેચ્યૂ ઑફ યુનિટીને પણ નિશાન બનાવવામાં આવી શકે છે. અને ગુજરાતની સીમાઓની સંવેદનશીલતાને જોતા હાલ ગુજરાતમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે.

gujarat pakistan kutch