ટ્વિટર પર ટ્રેન્ડ કરનારી કૉન્સ્ટેબલ સુનીતા કહે છે હું ટ્‍વિટર પર નથી

14 July, 2020 07:38 AM IST  |  Rajkot | Rashmin Shah

ટ્વિટર પર ટ્રેન્ડ કરનારી કૉન્સ્ટેબલ સુનીતા કહે છે હું ટ્‍વિટર પર નથી

સુનીતા યાદવના સપોર્ટમાં લોકો

છેલ્લા બે દિવસમાં ગુજરાત સરકારના રાજ્ય સ્તરના હેલ્થ મિનિસ્ટર કુમાર કાનાણી અને તેમના દીકરા પ્રકાશ કાનાણી સામે પૂરી દંબગાઈથી વાત કરીને બન્નેની બોલતી બંધ કરી દેનાર સુરતની લેડી કૉન્સ્ટેબલ સુનીતા યાદવના નામે ટ્‍વિટર પર #i_support_sunita ટ્રેન્ડ શરૂ થયો છે, તો આ જ ટ્‍વિટર પર સુનીતા યાદવના અકાઉન્ટ પરથી પોતે માફી નહીં માગે એ સંદર્ભની ટ્વીટ પણ આવી છે, પરંતુ ગઈ કાલે સુનીતા યાદવે ખુલાસો કરતાં કહ્યું કે ‘મારું ટ્‍વિટર પર અકાઉન્ટ છે જ નહીં. એ કોઈ ફેક અકાઉન્ટ છે. એના પર આવતી તમામ ટ્વીટ પણ ફેક છે.’

હેલ્થ મિનિસ્ટર કુમાર કાનાણીએ કહ્યું કે ‘આ આખી વાત રાજકીય રમત છે, મને બદનામ કરવાનું કાવતરું છે. બે દિવસમાં બધું સામે આવવા માંડ્યું છે. મારા દીકરાએ ભૂલ કરી હોય તો તેની સામે પણ પગલાં લેવામાં આવે, હું વચ્ચે ક્યાંય નહીં આવું, પણ અપશબ્દો બોલનાર અને તોછડાઈની ચરમસીમા દેખાડનાર લેડી કૉન્સ્ટેબલ સામે પણ પગલાં લેવાં જોઈએ.’

વરાછા વિસ્તારના હીરાબજારમાં કરફ્યુમાં ડ્યુટી બજાવતો પોલીસ-સ્ટાફ અને મહિલા કૉન્સ્ટેબલ સુનીતા યાદવ સાથે તોછડાઈ કરવા અને અનલૉક માટે બનાવવામાં આવેલા નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ પ્રકાશ કાનાણી સહિત તેના પાંચ ભાઈબંધોની ગઈ કાલે સુરત પોલીસે અટકાયત કરી હતી, પણ કુમાર કાનાણી આ આખી ઘટનાને રાજકીય રંગ અપાયાનો આક્ષેપ કરે છે. જોકે એ પછી પણ અત્યારે સુરતમાં સુનીતાની સાઇડ લેનારાઓનો તોટો નથી. સુનીતા ગઈ કાલે પોલીસ-કમિશનરને આ ઘટનાનું સ્ટેટમેન્ટ આપવા ગઈ ત્યારે લોકો તેના સ્વાગત માટે રસ્તા પર બૅનર લઈને ઊભા રહ્યા અને સુનીતાના નામની નારેબાજી પણ કરી હતી.

આમ આદમી પાર્ટી પર આક્ષેપ શું કામ?

થોડા સમય પહેલાં સુરત શહેરમાં કુમારભાઈ કાનાણી ગુમ થયા હોવાનાં પોસ્ટર લાગ્યાં હતાં. એ પોસ્ટર આમ આદમી પાર્ટી દ્વારા લગાવવામાં આવ્યાં હતાં. કુમાર કાનાણીએ એ આખી ઘટનાને બે દિવસ પહેલાંની આ ઘટના સાથે બંધ બેસાડી દીધી છે. કુમાર કાનાણી કહે છે, ‘જે પ્રકારે આખી ઘટનાનું વિડિયો અને ઑડિયો રેકૉર્ડિંગ કર્યું એ જ દેખાડે છે કે કોઈકનો આમાં હાથ છે. ઘટના બન્યાના બે દિવસ પછી એ બધાં રેકૉર્ડિંગ વાઇરલ થાય છે એ પણ દેખાડે છે કે કોઈ ચોક્કસ સૂત્રો ઇરાદાપૂવર્ક મને બદનામ કરવા આ બધું કરી રહ્યાં છે.’

surat gujarat Rashmin Shah