ગુજરાતમાં પાંચ વર્ષમાં 131 દુષ્કર્મના કેસ નોંધાયા

11 January, 2020 09:53 AM IST  |  Gandhinagar

ગુજરાતમાં પાંચ વર્ષમાં 131 દુષ્કર્મના કેસ નોંધાયા

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં વર્તમાન બીજેપી સરકારના શાસનમાં છેલ્લાં પાંચ વર્ષમાં સામૂહિક બળાત્કારની ૧૩૧ ઘટનાઓ બની છે, જેમાં અલગ-અલગ પોલીસ કેસમાં ૫૦૦ આરોપીઓ પકડાયા છે. જ્યારે ૧૮થી વધુ ગુનેગારો આજે પણ પોલીસ પકડથી દૂર હોવાનો સ્વીકાર રાજ્ય સરકારે કર્યો છે.

ગૃહમાં રજૂ થયેલી અતારાંકિત પ્રશ્નોત્તરીમાં ખંભાળિયા કૉન્ગ્રેસના ધારાસભ્ય વિક્રમભાઈ માડમે પ્રશ્ન ઉપસ્થિત કરતાં માહિતી માગી હતી કે ૩૦ જૂન, ૨૦૧૯ની સ્થિતિ મુજબ છેલ્લાં પાંચ વર્ષમાં રાજ્યમાં જિલ્લાવાર કેટલા સામૂહિક બળાત્કારના બનાવો બન્યા છે અને એ પૈકી કેટલા આરોપીઓ પકડવામાં આવ્યા છે અને હજી કેટલા આરોપીઓ પોલીસ પકડથી દૂર છે.

વિક્રમભાઈ માડમના પ્રશ્નોનો લેખિત ઉત્તર આપતાં ગૃહ રાજ્યપ્રધાને જણાવ્યું છે કે છેલ્લાં પાંચ વર્ષમાં રાજ્યભરમાં અલગ-અલગ જિલ્લાઓમાં કુલ ૧૩૧ કેસ સામૂહિક બળાત્કારના નોંધાયા છે, જે પૈકી પોલીસે ૫૦૦ આરોપીઓ પકડી પાડ્યા છે જ્યારે હજી ૧૮ આરોપીઓ પકડવાના બાકી હોવાનો લેખિત સ્વીકાર કર્યો છે.

સૌથી વધુ ઘટના સુરત ગ્રામ્યમાં નોંધાઈ હતી. બીજેપી સરકારના કાર્યકાળમાં પાંચ વર્ષ દરમિયાન સામૂહિક બળાત્કારની સૌથી વધુ ૨૬ ઘટનાઓ સુરત ગ્રામ્ય વિસ્તારમાં બની છે. બીજી તરફ સુરત શહેરમાં ૮, જ્યારે બીજા ક્રમે અમદાવાદ શહેરમાં ૧૭ સામૂહિક બળાત્કારના બનાવો બન્યા છે. જોકે રાજકોટ શહેરમાં ૩ બનાવો બન્યા હોવાનો લેખિત સ્વીકાર સરકારે કર્યો છે. ઉપરાંત ત્રીજા ક્રમે ભાવનગર શહેર જિલ્લામાં ૧૧ બનાવો બન્યા છે.

બીજી તરફ છેલ્લાં પાંચ વર્ષમાં બનેલા અલગ-અલગ બનાવોમાં પોલીસે ૫૦૦ આરોપીઓને પકડ્યા છે. સૌથી વધુ ૮૫ આરોપીઓ ભાવનગર શહેર જિલ્લામાંથી પકડવામાં આવ્યા છે. જ્યારે ૭૩ આરોપીઓ અમદાવાદ શહેર જિલ્લામાં બનેલી સામૂહિક બળાત્કારની ઘટનાઓ મામલે પકડ્યા છે.

જ્યારે રાજકોટ શહેરમાં બનેલી ઘટનાઓમાં ૯ આરોપીઓ પકડવામાં આવ્યા છે. જોકે રાજ્યમાં બનેલી સામૂહિક બળાત્કારની અલગ-અલગ ઘટનાઓમાં સંડોવાયેલા ૧૮ આરોપીઓને પકડવાના બાકી હોવાનો લેખિત સ્વીકાર બીજેપી સરકારે કર્યો છે.

gujarat gandhinagar Crime News sexual crime