સુરત: સમૂહ લગ્નમાં નવદંપતીને ફાયર ફાઇટિંગના સાધનોની અનોખી ભેટ

11 February, 2020 10:27 AM IST  |  Surat | Tejash Modi

સુરત: સમૂહ લગ્નમાં નવદંપતીને ફાયર ફાઇટિંગના સાધનોની અનોખી ભેટ

સુરતમાં નવદંપતીને ફાયર-એક્સ્ટિંગ્વિશરની ભેટ.




સુરત ઃ આર્થિક ખર્ચ ઘટાડવા અને ખોટા રીતિરિવાજો દૂર કરવાના ઇરાદે સમૂહ લગ્નોના આયોજન ખૂબ મોટી સંખ્યામાં થઈ રહ્યાં છે ત્યારે સુરતમાં રવિવારે આયોજિત એક સમૂહ લગ્નમાં યુવક-યુવતીઓને આગ બુઝાવવાનું ફાયર-એક્સ્ટિંગ્વિશરની ભેટ આપવામાં આવી હતી.

સુરતની વીર બજરંગ સેવા સમિતિ દ્વારા ત્રીજા સમૂહ લગ્નનું આયોજન કરવમાં આવ્યું હતું. ગરીબ પરિવારની સર્વ જ્ઞાતિઓનાં યુવક-યુવતીઓનાં સમૂહ લગ્નની અનોખી વાત એ હતી કે દરેક યુવક-યુવતીને કરિયાવરની સાથે ફાયર-એક્સ્ટિંગ્વિશર ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું છે. ૨૦ યુવકો અને ૨૦ યુવતીઓને શહેરના અલગ-અલગ મહાનુભાવોના હસ્તે આ ફાયર-એક્સ્ટિંગ્વિશર ભેટ આપવામાં આવ્યું હતું. વીર બજરંગ સેવા સમિતિના પ્રમુખ નિખિલ વાકાણીએ જણાવ્યું હતું કે ‘છેલ્લા અનેક સમયથી આગની ઘટનાઓ સતત બની રહી છે એમાં પણ તક્ષશિલા અને રઘુવીર માર્કેટમાં લાગેલી આગ તાજું ઉદાહરણ છે. તક્ષશિલા માર્કેટમાં લાગેલી આગમાં ૧૬ નિર્દોષ બાળકોનાં સળગી જવાના કારણે મોત થયાં હતાં, જ્યારે અન્ય છ બાળકો આગથી બચવા માટે ચોથા માળેથી કૂદી ગયા હતા. ભેટમાં આ ફાયર-એક્સ્ટિંગ્વિશર એટલા માટે આપવામાં આવી રહ્યું છે કે મહાનગરપાલિકાએ કમર્શિયલ સ્થળો પર તો કડકાઈ કરી આગથી બચવાનાં સાધનો લગાવડાવી દીધાં છે. જોકે હજી રહેણાક વિસ્તારોમાં એટલી બધી જાગૃતિ આવી નથી જેથી આ ફાયર-એક્સ્ટિંગ્વિશર આપી લોકોને ફાયર-સેફ્ટીનો સંદેશો આપવામાં આવી રહ્યો છે.’

જેમને ફાયર-એક્સ્ટિંગ્વિશર આપવામાં આવ્યું હતું તેવી યુવતી વર્ષા પાટોલિયા અને મીનલ પદ્મનીનું કહેવું હતું કે ‘ઘરોમાં હજી પણ ફાયરનાં સાધનો નથી જોવાં મળતાં. આગ લાગે ત્યારે ફાયરબ્રિગેડને બોલાવવામાં આવે છે અને જ્યાં સુધી ફાયરની ટીમ પહોંચે ત્યાં સુધી ઘણું મોડું થઈ જાય છે. ત્યારે જો ઘરમાં જ ફાયર-એક્સ્ટિંગ્વિશર હોય તો આગ લાગે ત્યારે પ્રાથમિક રીતે એના પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી શકાય છે જેના કારણે મોટી દુર્ઘટનાને ટાળી શકાય છે એટલે આ ખૂબ જરૂરી છે અને લોકોએ પણ આ દિશામાં ગંભીરતાથી વિચારવું પડશે.

surat gujarat