મોળાકત ઉજવાયા પોલીસ સ્ટેશનમાં સુરત પોલીસનો સરાહનિય પ્રયાસ

13 July, 2019 05:59 PM IST  |  સુરત | રશ્મિન શાહ

મોળાકત ઉજવાયા પોલીસ સ્ટેશનમાં સુરત પોલીસનો સરાહનિય પ્રયાસ

પોલીસ સ્ટેશનમાં ઉજવાયું ગૌરી વ્રત

સુરતઃ રાજકોટમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ વચ્ચેના લગ્નેતર સંબંધોને કારણે બન્નેએ જીવ ગુમાવતાં પોલીસ ડિપાર્ટમેન્ટ બીજી બધી સ્ટ્રેસ ઉપરાંત આ પ્રકારની માનસિક અવદશા પણ સહન કરી રહ્યા હોવાની ધારણા મૂકીને ગઈકાલે સુરતના નવ્યા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટે સુરતના કતારગામ પોલીસ સ્ટેશનમાં બસ્સોથી વધારે બાળકીઓને મોકલીને પોલીસ સ્ટેશનમાં જ મોળાકતનું વ્રત સેલિબ્રેટ કર્યુ હતું. ગઈકાલથી શરૂ થયેલા આ વ્રતના પહેલાં દિવસ આઠથી ૧૪ વર્ષની દીકરીઓ પોલીસ સ્ટેશન આવી હતી અને પોલીસ સ્ટાફની હાજરીમાં જ તેમના હાથમાં મહેંદી મૂકવામાં આવી હતી. ખૂન, બળાત્કાર, મારામારી, ધમકી જેવી ઘટનાઓ વચ્ચે આખો દિવસ ગળાડૂબ રહેતાં પોલીસ સ્ટાફને પણ આ નાના બાળકો સાથે મજા આવી ગઈ હતી અને ઉત્સવનો માહોલ પ્રસરી ગયો હતો. પોલીસ સ્ટેશનમાં મહેંદી મૂકવાના આ કાર્યક્રમમાં પોલીસ ડિપાર્ટમેન્ટનો મહિલા સ્ટાફ પણ જોડાયો હતો અને તેમણે પણ મહેમાન બનીને આવેલી આ દીકરીઓના હાથમાં મહેંદી મૂકી આપી હતી. કતારગામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી.ઘાંસુરાએ કહ્યું હતું, ‘આ પ્રકારની એક્ટિવિટી બન્ને પક્ષે લાભદાયી છે. પોલીસ માટે આ સ્ટ્રેસ તોડવાનું કામ કરે છે તો પ્રજા પોલીસ પ્રત્યે વધારે સહાનુભૂતિ કેળવતી પણ બને છે.’

આ પણ વાંચો : Rathyatra: રાજકોટમાં પણ નગરચર્યાએ નીકળ્યા નાથ, આવો રહ્યો રંગારંગ માહોલ

આ આખા કાર્યક્રમ પછી પોલીસ સ્ટાફે આવેલા બાળકો અને તેમના ગાર્ડિયન્સ સાથે મહિલા સુરક્ષા અને નારી સશક્તિકરણ વિશે વાર્તાલાપ પણ કર્યો હતો તો બાળકોને બાળશોષણ વિશે સમજાવટ પણ આપી હતી.

Rashmin Shah