11 July, 2026 09:56 AM IST | Surat | Gujarati Mid-day Correspondent
પાણી ઊતર્યા પછી સુરતની પોદાર આર્કેડનો ગઈ કાલનો નજારો, જેમાં દુકાનોનો માલસામાન ભંગારમાં ફેરવાઈ ગયેલો દેખાય છે.
સુરતને પહેલા જ વરસાદે ધમરોળતાં અને એ પછી ખાડીપૂરે તબાહી મચાવ્યા બાદ એની ભયાવહ વાસ્તવિકતા બહાર આવી રહી છે. અત્યાર સુધીમાં ખાડીપૂર અને ભારે વરસાદને કારણે સુરત શહેર અને જિલ્લામાંથી ૪૭ ડેડ-બૉડી મળી આવી છે. છેલ્લા ૪ દિવસમાં મળી આવેલી ડેડ-બૉડીને કારણે શહેર અને જિલ્લામાં શોક છવાઈ ગયો છે.
સુરતમાં પડેલા ભારે વરસાદ તેમ જ ખાડીમાં આવેલા પૂરના કારણે સુરત જળમગ્ન થઈ ગયું હતું અને તબાહી સર્જાઈ હતી. વરસાદ બંધ રહેતાં અને વરસાદનાં પાણી ઓસરતાં તેમ જ ખાડીનાં પાણી આગળ વહી જતાં છેલ્લા ૪ દિવસ દરમ્યાન જુદા-જુદા વિસ્તારોમાંથી ડેડ-બૉડી મળી રહી છે. સૂત્રોએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અત્યાર સુધીમાં સુરતમાંથી ૪૩ મૃતદેહ અને સુરત જિલ્લામાંથી ૪ મૃતદેહ મળી આવ્યા છે. સુરતમાંથી મળી આવેલી ડેડ-બૉડીમાંથી અત્યાર સુધીમાં ૧૯ કેસમાં કૉઝ ઑફ ડેથ જાહેર થયાં છે જેમાં કોઈનું પાણીમાં ડૂબવાથી તો અન્ય કોઈનું વીજળીનો કરન્ટ લાગવાથી તો કોઈનું ઝાડ પડવાથી મોત થયું છે. સુરત જિલ્લામાં ૪ લોકોની ડેડ-બૉડી મળી આવી છે એ તમામનાં ડૂબી જવાથી મોત થયાં છે.’
સુરત શહેરમાં ખાસ કરીને લીંબાયત, ઉધનામાં ખાડી વિસ્તારમાંથી વધુ ડેડ-બૉડી મળી આવી છે. આ ઉપરાંત મોટા વરાછા, આઝાદનગર, ઇન્દિરાનગર, રસૂલાબાદ સહિતના ખાડીની આસપાસના નિચાણવાળા વિસ્તારોમાંથી ડેડ-બૉડી મળી આવી છે.
સુરતમાં ભારે વરસાદ અને ખાડીપૂરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં સુરત મહાનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે સફાઈ-કામગીરી હાથ ધરાઈ છે. સુરતમાં ૫૮ જેટલા પૂરગ્રસ્ત વિસ્તારોમાં ૪૫૦૦ જેટલા સફાઈ-કર્મચારીઓ સફાઈ-કામગીરી કરી રહ્યા છે. કચરાના નિકાલ બાદ જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.