સુરતની ભવ્યતામાં દુનિયાનો ‘સર્વશ્રેષ્ઠ ડાયમન્ડ’ જોડાઈ ગયો

18 December, 2023 10:19 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતમાં સુરત ડાયમન્ડ બુર્સનું ઉદ્ઘાટન કરવાની સાથે સુરત ઍરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું અને સુરતી લાલાઓને સોનેરી શીખ આપી કે ‘સંકલ્પ લો અને એને સિદ્ધ કરો’

સુરત ઍરપોર્ટ પર ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી.

અમદાવાદ : દક્ષિણ ગુજરાતના સુરતમાં બનેલા ડાયમન્ડ બિઝનેસના વિશ્વના સૌથી મોટા હબ સુરત ડાયમન્ડ બુર્સનું ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કરીને તેમ જ સુરત ઍરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું લોકાર્પણ કરીને વિશ્વાસ જગાવતાં અને આશા વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘સુરત ડાયમન્ડ બુર્સ ભારતીય ડિઝાઇન, ભારતીય ડિઝાઇનર્સ, ભારતીય મટીરિયલ્સ અને ભારતીય કન્સેપ્ટનાં સામર્થ્ય બતાવે છે. આ બિલ્ડિંગ નવા ભારતના નવા સામર્થ્ય અને સંકલ્પનું પ્રતીક છે. હું સુરત ડાયમન્ડ બુર્સ માટે ડાયમન્ડ ઇન્ડસ્ટ્રીઝને, સુરતને, ગુજરાતને અને દેશને અભિનંદન આપું છું.’  

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય પ્રધાનમંડળના સભ્યો મનસુખ માંડવિયા, પરષોત્તમ રૂપાલા અને દર્શના જરદોષ, ગુજરાતના પ્રધાનમંડળના સભ્યો હર્ષ સંઘવી, મુકેશ પટેલ તેમ જ પ્રફુલ પાનશેરિયા, સંસદસભ્ય અને બીજેપી, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સહિત સુરત ડાયમન્ડ બુર્સના સભ્યો, દેશ-વિદેશથી આવેલા હીરાના ઉદ્યોગપતિઓ, પદાધિકારીઓ, અધિકારીઓ, બીજેપીના કાર્યકરો અને સુરત શહેરના નાગરિકોની ઉપસ્થિતિમાં સુરતના ખજોદ વિસ્તારમાં ૩૪૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બનેલા વિશ્વના સૌથી વિશાળ કૉર્પોરેટ ઑફિસ બિલ્ડિંગ સુરત ડાયમન્ડ બુર્સને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ખુલ્લું મૂક્યું હતું. ડાયમન્ડ બુર્સના વિવિધ ભાગોની તેમણે મુલાકાત લીધી હતી. આ પહેલાં ઍરપોર્ટથી સુરત ડાયમન્ડ બુર્સ સુધી નરેન્દ્ર મોદીનો રોડ-શો યોજાયો હતો. મોદીના સ્વાગત અને અભિવાદન માટે સુરતના બીજેપીના કાર્યકરો અને નાગરિકો રસ્તા પર ઊતર્યા હતા. સામા પક્ષે નરેન્દ્ર મોદીએ પણ કારમાંથી લોકોનું અભિવાન ઝીલ્યું હતું. 

સુરત ડાયમન્ડ બુર્સ ઉદ્ઘાટન સમારોહમાં સભાને સંબોધતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘આજે સુરત શહેરની ભવ્યતામાં એક વધુ ડાયમન્ડ જોડાઈ ગયો છે અને ડાયમન્ડ પણ નાનો-મોટો નથી, એ તો દુનિયાનો સર્વશ્રેષ્ઠ છે. આ ડાયમન્ડની ચમકની આગળ દુનિયાની મોટામાં મોટી ઇમારતોની ચમક ફિક્કી પડી રહી છે. આજે સુરતના લોકોને, વેપારીઓને, કારોબારીઓને બે ઉપહાર મળી રહ્યા છે. સુરત ઍરપોર્ટના નવા ટર્મિનલનું લોકાર્પણ થયું છે. બીજું કામ એ થયું છે કે હવે સુરત ઍરપોર્ટને ઇન્ટરનૅશનલ ઍરપોર્ટનો દરજ્જો મળી ગયો છે. સુરતીઓની વર્ષોજૂની માગ આજે પૂરી થઈ છે. સુરતથી દુબઈની ફ્લાઇટ આજથી શરૂ થઈ રહી છે. બહુ જલદી હૉન્ગકૉન્ગ માટે પણ ફ્લાઇટ શરૂ થશે. ગુજરાતમાં હવે ત્રણ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ થઈ ગયાં છે. એનાથી ડાયમન્ડ સિવાય ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ, ટૂરિઝમ ઇન્ડસ્ટ્રીઝ, એજ્યુકેશન અને સ્ટીલ સહિત બધાં સેક્ટરને લાભ થશે.’

તેમણે વધુમાં કહ્યું હતુ કે ‘આજે આ શહેર દુનિયાનાં સૌથી તેજીથી આગળ વધતાં ટૉપ-ટેન શહેરોમાં છે. ક્યારેક સુરતની ઓળખ સન સિટીની હતી. અહીંના લોકોના પરિશ્રમ અને પૂરી તાકાતથી એણે ડાયમન્ડ સિટી બનાવ્યું, સિલ્ક સિટી બનાવ્યું. તમે વધુ મહેતન કરી અને સુરત બ્રિજ સિટી બન્યું. આજે લાખો યુવાનો માટે સુરત ડ્રીમ સિટી છે અને હવે સુરત આઇટી ક્ષેત્રમાં પણ આગળ વધી રહ્યું છે. આવા આધુનિક થતા સુરતને ડાયમન્ડ બુર્સના નામે આટલું મોટું બિલ્ડિંગ મળ્યું એ ઐતિહાસિક છે. આજકાલ તમે મોદીની ગૅરન્ટીની ચર્ચા સાંભળતા હશો. હાલમાં ચૂંટણીનાં પરિણામ આવ્યાં એ પછી આ ચર્ચા વધી ગઈ, પણ સુરતના લોકો મોદીની ગૅરન્ટીને બહુ પહેલાંથી જાણે છે. મોદીની ગૅરન્ટીને સચ્ચાઈમાં બદલાતી જોઈ છે. આ ગૅરન્ટીનું ઉદાહરણ સુરત ડાયમન્ડ બુર્સ પણ છે.’

નરેન્દ્ર મોદીએ સુરતી લાલાઓને સોનેરી શિખામણ આપતાં કહ્યું કે ‘આજે આંતરરાષ્ટ્રીય સ્તરે વિશ્વનો માહોલ ભારતના પક્ષમાં છે. આજે આખી દુનિયામાં ભારતની શાખ બુલંદી પર છે. મેડ ઇન ઇન્ડિયા એક સશક્ત બ્રૅન્ડ બની ચૂકી છે. એનો બહુ મોટો લાભ તમારા બિઝનેસને મળવાનો એ નક્કી છે ત્યારે તમને બધાને કહીશ કે સંકલ્પ લો અને એને સિદ્ધ કરો. સરકાર સુરત શહેરનું સામર્થ્ય વધારી રહી છે. સુરત આગળ વધશે તો ગુજરાત આગળ વધશે અને ગુજરાત આગળ વધશે તો મારો દેશ આગળ વધશે. આટલા બધા દેશના લોકોની અવરજવરથી એક પ્રકારે સુરત ગ્લોબલ સિટીના રૂપમાં કન્વર્ટ થઈ રહ્યું છે.’

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત ડાયમન્ડ બુર્સના તમામ સભ્યોને અભિનંદન પાઠવ્યાં હતાં અને કહ્યું હતું કે ‘સુરત ડાયમન્ડ બુર્સનું સપનું પૂરું થતું જોઈને બહુ આનંદ થયો છે. ’
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ કેન્દ્રમાં ત્રીજી વાર મોદી સરકાર બનશે એવો વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું કે ‘વડા પ્રધાનના દૃષ્ટિવંત નેતૃત્વમાં ભારત વિશ્વની પાંચમી મોટી આર્થિક સત્તા બન્યું છે. ૨૦૨૪માં દેશની જનતા જનાર્દનનો ભરોસો, વિશ્વાસ મેળવીને ત્રીજી વાર નરેન્દ્રભાઈ વડા પ્રધાન બનશે એ વાત નિશ્ચિત છે. તેમની ત્રીજી ટર્મમાં ભારત વિશ્વની થર્ડ લાર્જેસ્ટ ઇકૉનૉમી બનવાની છે.’

સુરત ડાયમન્ડ બુર્સનો ઉદ્ભવ કેવી રીતે થયો?
સુરત ડાયમન્ડ બુર્સનો ઉદ્ભવ કેવી રીતે થયો એની વાત કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે ‘૨૦૧૪માં દિલ્હીમાં વર્લ્ડ ડાયમન્ડ કૉન્ફરન્સ યોજાઈ હતી ત્યારે મેં ડાયમન્ડ સેક્ટર માટે સ્પેશ્યલ નોટિફાઇડ ઝોન સ્થાપવાની જાહેરાત કરી હતી. એમાં સુરત ડાયમન્ડ બુર્સના સપનાને સાકાર કરવાનો રસ્તો બનાવ્યો. હવે આજે સુરત ડાયમન્ડ બુર્સના રૂપે ઇન્ટરનૅશનલ ટ્રેડનું એક મોટું સેન્ટર બનીને તૈયાર છે. રૉ ડાયમન્ડ હોય, પૉલિશ્ડ ડાયમન્ડ હોય, લૅબ ગ્રોન ડાયમન્ડ હોય અથવા બનાવેલી જ્વેલરી, આજે તમામ પ્રકારનો વેપાર એક જ છત નીચે સંભવ થઈ ગયો છે. કારીગર હોય, વેપારીઓ હોય, બધા માટે સુરત ડાયમન્ડ બુર્સ વન સ્ટૉપ સેન્ટર છે. સુરત નક્કી કરી લે તો બહુ જલદીથી જેમ્સ જ્વેલરી એક્સપોર્ટમાં ડબલ ડિજિટમાં આવી શકે છે. તમારા દરેક પ્રયાસમાં સરકાર તમારી સાથે ઊભી છે.’

સુરત એવું કે કામમાં લોચો મારે નહીં અને ખાવામાં લોચો છોડે નહીં 
મોદીએ હળવાશમાં ‘હુરટી ભાષા’નો પ્રયોગ કરવાની સાથે સુરતી લાલાઓના ખાનપાનની ખૂબીઓ વર્ણવતાં સુરતીઓ મોદી પર ઓળઘોળ થઈ ગયા હતા. એટલું જ નહીં, પરંતુ ૨૦૨૪માં પણ સતત ત્રીજી વાર કેન્દ્રમાં મોદી સરકાર આવશે એવો વિશ્વાસ ખુદ નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યો હતો. નરેન્દ્ર મોદીએ મલકાતાં-મલકાતાં કહ્યું હતું કે ‘હુરટ એટલે હુરટ. અમારું સુરત એવું કે કામમાં લોચો મારે નહીં અને ખાવામાં લોચો છોડે નહીં. આમ બધી વાતે સુરતીને ગમે એટલી ઉતાવળ હોય, પણ ખાણીપીણીની દુકાને અડધો કલાક લાઇનમાં ઊભા રહેવાની ધીરજ તેનામાં હોય. શરદ પૂનમે ચંદી પડવો, દુનિયાઆખી ધાબે જાય, અમારો હુરટી ફુટપાથ પર પરિવાર સાથે ઘારી ખાતો હોય.’ 
ત્રીજી વાર પણ મોદી સરકાર કેન્દ્રમાં આવશે એ વિશે મોઘમમાં વાત કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે ‘છેલ્લાં ૧૦ વર્ષમાં ભારત ૧૦મા નંબરની આર્થિક તાકાતથી ઉપર ઊઠીને દુનિયામાં પાંચમા નંબરની આર્થિક શક્તિના રૂપમાં ઊભર્યો છે અને હવે મોદીએ દેશને ગૅરન્ટી આપી છે કે પોતાની ત્રીજી પારીમાં ભારત દુનિયાની ટૉપ-થ્રી ઇકૉનૉમીમાં જરૂર સામેલ થશે. સરકારે આવતાં ૨૫ વર્ષનો ટાર્ગેટ નક્કી કર્યો છે.’

સુરત હીરા વ્યવસાય માટે એક નવા સમયની શરૂઆત થઈ 
સુરત ડાયમન્ડ બુર્સના ઉદ્ઘાટન પ્રસંગે સ્વાગત-પ્રવચન કરતાં સુરત ડાયમન્ડ બુર્સના ચૅરમૅન વલ્લભ લખાણીએ કહ્યું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત ડાયમન્ડ બુર્સનું ઉદ્ઘાટન કર્યું છે ત્યારે આજથી સુરત હીરા વ્યવસાય માટે એક નવા સમયની શરૂઆત થઈ છે. રફ અને ફિનિશ્ડ ડાયમન્ડનું ખરીદ-વેચાણ થશે અને ઑક્શન-હાઉસ તેમ જ ઇમ્પોર્ટ-એક્સપોર્ટ જેવી સહાય પ્રવૃત્તિથી ધમધમતું થશે. બોલવા માટે ઘણું છે, પણ મને પાંચ મિનિટનો સમય આપ્યો છે. ૯ વર્ષની જર્નીનું પાંચ મિનિટમાં પૂરું ન થાય એ માટે કલાકોનો સમય પણ ઓછો પડે, જેથી કોઈ વિશે બોલવાનું ચુકાઈ જાય તો મને માફ કરજો. જેમણે સુરત ડાયમન્ડ બુર્સ બનાવવામાં કોઈ પણ રીતે સહકાર આપ્યો છે તેમનો હૃદયથી આભાર માનું છું.’

national news surat surat diamond burse narendra modi gujarat news