હીરાબજારમાં હલચલ

22 March, 2024 08:55 AM IST  |  Surat | Bakulesh Trivedi

સુરત ડાયમન્ડ બુર્સના ચૅરમૅન વલ્લભ લાખાણીના રાજીનામાનો સ્વીકાર, મૅનેજિંગ કમિટીએ સર્વાનુમતે ગોવિંદ ધોળકિયાને નવા ચૅરમેન બનાવ્યા

વલ્લભ લાખાણી, ગોવિંદ ધોળકિયા

વિશ્વના સૌથી મોટા ઑફિસ-બિલ્ડિંગ તરીકે ખ્યા​તિ પામનારા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જેનું ઉદ્ઘાટન થયું હતું એ સુરત ડાયમન્ડ બુર્સના ચૅરમૅન અને મુંબઈ અને સુરત એમ બન્ને માર્કેટમાં મોટું કામકાજ ધરાવતા કિરણ જેમ્સના વડા વલ્લભ લાખાણીએ ચૅરમૅનપદેથી રાજીનામું આપી દીધું હોવાની ચર્ચા મુંબઈના હીરાબજાર ભારત ડાયમન્ડ બુર્સ (BDB) અને સુરત ડાયમન્ડ બુર્સ (SDB)માં જોરદાર ચાલી રહી હતી એટલું જ નહીં, નવા ચૅરમૅન તરીકે ગોવિંદ ધોળકિયાનું નામ પણ ચર્ચાઈ રહ્યું હતું. જોકે ગઈ કાલે સાંજે સુરત ડાયમન્ડ બુર્સની કમિટીની બેઠકમાં વલ્લભ લાખાણીનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું હતું અને નવા ચૅરમૅન તરીકે ગોવિંદ ધોળિકયાની વરણી કરાતાં એ ચર્ચાઓ અને અટકળોનો અંત આવી ગયો હતો. 

સુરતથી કારભાર પાછો મુંબઈમાં
સુરત અને મુંબઈ બન્નેની હીરાબજારમાં બુધવારે બપોર પછી મેસેજ ફરવા માંડ્યા હતા કે વલ્લભભાઈએ રાજીનામું આપી દીધું છે. એને કારણે સુરતમાં વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. કરોડો રૂપિયાના ખર્ચે બંધાયેલા ભવ્ય એવા સુરત ડાયમન્ડ બુર્સને ઊભું કરવામાં વલ્લભભાઈએ મુખ્ય ભૂમિકા ભજવી હતી એટલું જ નહીં, મુંબઈથી પોતાની ઑફિસનું કામકાજ બંધ કરીને સુરતમાંથી જ ઑપરેટ કરનાર પણ તેઓ પહેલા હતા. જોકે સુરત ડાયમન્ડ બુર્સને જામતાં વાર લાગશે એવું જણાતાં કમિટીએ તેમને આર્થિક નુકસાન ભોગવવું ન પડે એ માટે મુંબઈથી પણ ઑપરેશન ચાલુ રાખવાની મંજૂરી બતાવી હતી. એ પછી તેમણે મુંબઈથી ઑપરેશન પાછું ચાલુ કર્યું હતું. 

વલ્લભભાઈએ શું કહ્યું?
ગઈ કાલે સવારે વલ્લભભાઈનો ફોન પર સંપર્ક કરીને હકીકત શું છે એ જાણવાનો  ‘મિડ-ડે’એ પ્રયાસ કર્યો ત્યારે તેમનાં સેક્રેટરી નેહાબહેને કહ્યું હતું કે મને આ બાબતની કશી જાણ નથી અને વલ્લભભાઈ મીટિંગમાં છે એટલે તેમને પૂછીને કૉલ-બૅક કરશે. ત્યાર બાદ થોડી વાર પછી સામેથી તેમનો ફોન આવ્યો અને નેહાબહેને કહ્યું કે વલ્લભભાઈ હાલ હૉસ્પિટલના કામમાં વ્યસ્ત છે અને હજી બે-ત્રણ દિવસ તેઓ એમાં જ ​બિઝી રહેશે એટલે એ પછી તમને આ વિશે વાત કરી શકશે. આમ હા કે ના એવી કોઈ જ સ્પષ્ટતા તેમના તરફથી કરવામાં ન આવતાં આ રહસ્ય વધુ ઘૂંટાયું હતું. સુરત ડાયમન્ડ બુર્સના મીડિયા કન્વીનર દિનેશ નાવ​ડિયાએ આ વિશે ‘મિડ-ડે’ને ગઈ કાલે સવારે કહ્યું હતું કે સાંજના મીટિંગ છે એમાં જે નિર્ણય લેવામાં આવશે એની જાણ કરીશું. 

જવાબદારી પતાવીને રાજીનામું
ગઈ કાલે સાંજે થયેલી મીટિંગ બાદ દિનેશ નાવડિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે વલ્લભભાઈનું રાજીનામું ગઈ કાલે કમિટીએ સ્વીકારી લીધું છે અને નવા ચૅરમૅનપદે ગોવિંદભાઈ ધોળકિયાની વરણી કરાઈ છે. તેમને જ્યારે એમ પૂછવામાં આવ્યું કે વલ્લભભાઈએ રાજીનામું આપવાનું કારણ શું? ત્યારે તેમણે જવાબમાં કહ્યું હતું કે ‘વલ્લભભાઈ બુર્સના ચૅરમૅન બન્યા ત્યારે જ તેમણે બહુ સ્પષ્ટ કરી દીધું હતું કે બુર્સ બનાવી દેવાની મારી જવાબદારી, પણ એ પછી હું ચૅરમૅન નહીં રહું. તેમણે રાજીનામું આપ્યા બાદ અમે તેમને ચૅરમૅનપદે ચાલુ રહેવા જણાવ્યું હતું. જોકે તેમણે કહ્યું કે વ્યક્તિગત રીતે તેઓ હવે બુર્સ માટે સમય ફાળવી શકે એમ ન હોવાથી રાજીનામું આપી રહ્યા છે. એથી કમિટીએ તેમનું રાજીનામું સ્વીકારી લીધું હતું અને ગોવિંદભાઈને એ જવાબદારી સોંપી હતી.’  

શું આ છે રાજીનામાનું કારણ?
બજારમાં અત્યારે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે તાજેતરમાં SDBને ચાર અઠવાડિયાંની અંદર ૧૨૫ કરોડ રૂપિયાની બૅન્ક-ગૅરન્ટી આપવાનો કોર્ટે આદેશ આપ્યો હોવાથી એના કારભારને લઈને પણ વલ્લભભાઈ નારાજ હતા અને તેમના રાજીનામા પાછળ આ પણ એક કારણ હોવાનું કહેવાય છે. જે કૉન્ટ્રૅક્ટરે SDB બનાવ્યું હતું તેને પૈસા આપવાના બાકી હોવાથી તેણે કોર્ટમાં કેસ કર્યો હતો.

surat gujarat news gujarat mumbai news mumbai bakulesh trivedi