ન બૅન્ડ, ન વરઘોડો કે ન જમણવાર...લગ્ન માત્ર ૧૭ મિનિટમાં સંપન્ન

09 December, 2019 08:35 AM IST  |  Surat

ન બૅન્ડ, ન વરઘોડો કે ન જમણવાર...લગ્ન માત્ર ૧૭ મિનિટમાં સંપન્ન

સુરતના આ યુગલે બેસાડ્યો દાખલો

લગ્ન ધામધૂમપૂર્વક કરવા યુવક ઘોડા પર બેસી આવે છે અને યુવતી ડોલીમાં પોતાની સાથે લઈ જાય છે, સુંદર સજાવટ કરેલા મંડપમાં પતિ-પત્ની તરીકેના સાત ફેરા લે, સાથે બૅન્ડવાજા, લગ્નનાં ગીતો વાગતાં હોય અને જાનૈયાઓ માટે વેરાયટીવાળું ભોજન હોય, પરંતુ સુરતમાં એક એવા લગ્ન થયા હતાં, જ્યાં આવી કોઈ પણ રીત-રસમ ન હતી, માત્ર ૧૭ જ મિનિટમાં લગ્ન સંપન્ન થયાં અને જાનૈયાઓને માત્ર ચા અને બિસ્કિટનો નાસ્તો કરાવવામાં આવ્યો હતો.
તમને એવું કહેવામાં આવે કે લગ્નમાં ઘરેથી ટિફિન લઈને આવવું, તો જરૂરથી ચોંકી જાવ, નવાઈ લાગે અને હસવું પણ આવે છે, સુરતમાં એવા લગ્ન યોજાયાં હતાં તે કંઈક આવા જ હતાં. નિહાર જનકભાઈ શાહ અને અશ્વિની પ્રભાકર દુવાડેના લગ્નમાં આમાંનું કશું જ નહોતું , બન્ને પરિવાર તરફથી આવેલા ૧૦૦ આમંત્રિતોની વચ્ચે ગુરુ મહારાજના ફોટો પાસે ૧૭ મિનિટની આરતીથી લગ્નગ્રંથીથી બન્ને જીવનસાથી બન્યા છે. નિહાર અને અશ્વિની જે સંપ્રદાયમાં માને છે તેમાં ખોટો ખર્ચ કરવા પર મનાઈ છે, એકદમ સાદગી સાથે લગ્ન કરવામાં આવે છે. સાથે કુરિવાજોને પણ દૂર રાખવામાં આવે છે, મહત્ત્વનું એ પણ છે કે સાત ફેરા પણ ફરવામાં આવતા નથી. નિહારનું કહેવું છે કે અમારા ગુરુ સંત રામપાલજી દ્વારા જ્યારે અમે દીક્ષા લીધી ત્યારે તમામ ભૌતિક સુખોથી દૂર રહેવાનું કહેવામાં આવ્યું હતું, ખાસ કરીને લગ્નમાં જે પ્રકારે અઢળક ખર્ચો કરાય છે તે નહીં કરવા તેમનો નિર્દેશ હતો, અને મને ખુશી છે કે કોઈ પણ પ્રકારના ખર્ચ વગર મારા લગ્ન થઈ રહ્યાં છે, જ્યારે નિહારને પૂછવામાં આવ્યું કે લગ્નની વિધિમાં ફેરા કે ફૂલહાર પણ કરવામાં નથી આવ્યાં તો તેમનું કહેવું હતું કે ૧૭ મિનિટ જે પૂજા થાય છે તેમાં તમામ શ્લોકો આવી જાય છે, એટલે ફેરાસહિતની કોઈ વિધિની જરૂર હોતી નથી.
નિહાર જનકભાઈ શાહ અમદાવાદ ખાતે રહે છે અને બૅન્કમાં મૅનેજર છે, અશ્વિની પ્રભાકર દુવાડે સુરતમાં રહે છે અને ડૉક્ટર છે, પોતાના સંપ્રદાયના સત્સંગમાં છ મહિના પહેલાં બન્નેની ઓળખાણ થઈ હતી, એકબીજાના સંપર્કમાં આવ્યા બાદ પરિવાર સાથે મળીને લગ્ન નક્કી કર્યાં હતાં, લગ્નગ્રંથિમાં સમાજના કુ-રિવાજો દૂર કરવાનો નિર્ણય કર્યો હતો. લગ્નમાં જે મહેમાનો અન્ય શહેરમાંથી કે દૂરથી આવ્યા હતા તે પોતાનું ટિફિન ઘરેથી લાવ્યા હતા, લગ્નપ્રસંગમાં ઘરનું ટિફિન એકબીજાને જમાડી અનોખા લગ્નને ઉત્સાહી બનાવ્યા હતા.
લગ્ન કરાવનાર ભગત રોહિદાસ સૈંદાણેએ જણાવ્યું હતું કે સમાજમાં દહેજ, સાજ-શણગાર, મંડપ, બૅન્ડવાજા સહિતની તૈયારીઓમાં થતા ખર્ચ અને કુરિવાજોમાંથી સમાજને બહાર કાઢવા માટે ભગવાન કબીર દ્વારા ‘રમૈણી’ વિવાહનો માર્ગ બતાવવામાં આવ્યો હતો, આ જ રસ્તે ચાલવા માટે રામપાલ મહારાજે પણ સમાજને કહ્યું હતું.

surat gujarat