સુરત: બોર્ડની એક્ઝામમાં પાસ થવા માટે બાપ્પાને બૉલપેન ચડાવતો સ્ટુડન્ટ્સ

14 March, 2019 12:23 PM IST  |  સુરત | રશ્મિન શાહ

સુરત: બોર્ડની એક્ઝામમાં પાસ થવા માટે બાપ્પાને બૉલપેન ચડાવતો સ્ટુડન્ટ્સ

ગણપતિદાદાને બૉલપેન ચડાવતો સ્ટુડન્ટ્સ.

સુરતના પાલ વિસ્તારમાં આવેલા સિદ્ધિવિનાયકના મંદિરે બોર્ડની એક્ઝામ પહેલાં સ્ટુડન્ટ્સની અવરજવર મોટી સંખ્યામાં વધી જાય છે. આવું થવા પાછળનું કારણ એ છે કે સુરતમાં એવી લોકવાયકા પ્રચલિત છે કે પાલ સિદ્ધિવિનાયકને ધરવામાં આવેલી બૉલપેન, પેન્સિલ, કંપાસ જેવી ચીજવસ્તુઓનો એક્ઝામમાં ઉપયોગ કરવાથી ગણપતિદાદા એક્ઝામમાં પાસ કરી દે છે. મંદિરના પૂજારી અંબિકા પ્રસાદજીએ કહ્યું હતું કે ‘આ અંધશ્રદ્ધાની વાત નથી, શ્રદ્ધાનો વિષય છે. શુભ કામમાં વિઘ્નહર્તા સામે કોઈ ચીજવસ્તુ મૂકવામાં આવે તો એમાં કશું ખોટું નથી. લગ્ન સમયે બધા કંકોતરી પણ ભગવાન સામે મૂકે જ છે.’

સિદ્ધિવિનાયક સામે ધરવામાં આવતી એક્ઝામની આ ચીજવસ્તુઓ પર પૂજારી દ્વારા મંત્રોચ્ચાર કરવામાં આવે છે અને પછી સ્ટુડન્ટ્સને એ બૉલપેન કે બીજી સામગ્રી પાછી આપવામાં આવે છે. ગુજરાતમાં બોર્ડની એક્ઝામ ચાલુ હોવાથી ઘણા દિવસથી સ્ટુડન્ટ્સ આ પ્રકારે ગણપતિદાદાને બૉલપેન અને બીજી સામગ્રી ધરાવવા આવે છે. ટેન્થની એક્ઝામ આપનારા અભિષ્ોક ડેલાવાળાએ કહ્યું હતું કે ‘બીજો કોઈ ફરક પડે કે નહીં, પણ પૉઝિટિવ વાઇબ્રેશન્સ તો આવી જ જાય. મારા ભાઈએ પણ ટ્વેલ્થની એક્ઝામ સમયે પોતાની બૉલપેન દાદાને આપી હતી. હું પણ એ જ કરવાનો છું.’

આ પણ વાંચો: ભાનુશાળી હત્યા કેસમાં છબીલ પટેલની અમદાવાદ એરપોર્ટ પર અટકાયત કરાઇ

મંદિરના ટ્રસ્ટી નીતિન મહેતાએ કહ્યું હતું કે ‘ટીચર્સ અને પેરન્ટ્સ પણ આવું કરવાની ના પાડે તો પણ સ્ટુડન્ટ્સ આવે છે અને દાદાના મંત્રથી પોતાની બૉલપેન અને બીજો સામાન અભિમંત્રિત કરાવે છે. ભગવાનમાં માનવું એ સારી નિશાની છે, એમાં કશું ખોટું નથી. અંધશ્રદ્ધા કોઈના મનમાં નથી. અંતે તો જેને આવડતું હોય એ જ એક્ઝામમાં પાસ થાય છે.’

અત્યાર સુધીમાં લગભગ પાંચ હજારથી વધારે સ્ટુડન્ટ્સ મંદિરે આવી ગયા છે.

surat gujarat