ગટરમાં સફાઈ કરવા ઊતરેલા બે યુવકના ગૂંગળામણથી મોત

04 December, 2019 09:26 AM IST  |  Surat

ગટરમાં સફાઈ કરવા ઊતરેલા બે યુવકના ગૂંગળામણથી મોત

પ્રતિકાત્મક તસવીર

નાની વેડમાં નીચલા ફળિયાની ગટર લાઇન સાફ કરવા ઊતરેલા બે મજૂરોનાં મોત નીપજ્યાં હતાં. સોમવારે રાત્રે નાની વેડ નીચલા ફળિયામાં ડ્રેનેજ લાઇન બ્લૉક થઈ જતા બે મજૂર ગટરની ચેમ્બર ખોલીને સાફસફાઈ માટે અંદર ઊતર્યા હતા, દરમ્યાન સફાઈ વેળા ગૂંગળામણની અસર થતાં બંને યુવકો બેભાન થઈ ગયા હતા. ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં ફાયરની ટીમે સ્થળ પર પહોંચી બન્ને યુવકોને બહાર કાઢી ૧૦૮ એમ્બ્યુલસ મારફતે સ્મીમેર હૉસ્પિટલ ખસેડ્યા હતા. જોકે ફરજ પરના તબીબોએ બન્નેને મૃત જાહેર કર્યા હતા. ઘટનાને પગલે સ્થળ પર સ્થાનિકોનું મોટું ટોળું એકત્ર થઈ ગયું હતું. મૃતકોમાં વિજય ભૈયા (ઉ.વ.૨૫) અને કિશોર સુખા (ઉ.વ.૨૫)નામના યુવકો હોવાનું જાણવા મળ્યું હતું. જોકે નાની વેડ ખાતે બનેલી ગોઝારી ઘટનામાં મોતને ભેટેલા બન્ને મજૂરો પાલિકાના કર્મચારી ન હોવાનું જાણવા મળ્યું છે. ફાયરના અધિકારીએ જણાવ્યું હતું કે ૨૦ ફુટ ઊંડા ગટરના મેઈન હોલમાં સફાઈ કરવા માટે બે યુવકો ઊતર્યા હતા. ખાનગી કૉન્ટ્રૅક્ટરના બન્ને માણસો પાસે સલામતીનાં સાધનો ન હોય તેમને ગૂંગળામણની અસર થઈ હતી અને બન્ને બેભાન થઈ ગયા હતા. 

surat gujarat