બે સપ્તાહમાં બિલ્કિસ બાનોને પચાસ લાખ વળતર, સરકારી નોકરી-ઘર આપો

01 October, 2019 01:53 PM IST  |  મુંબઈ ડેસ્ક

બે સપ્તાહમાં બિલ્કિસ બાનોને પચાસ લાખ વળતર, સરકારી નોકરી-ઘર આપો

બિલ્કિસ બાનો

નવી દિલ્હી : (જી.એન.એસ.) સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ૨૦૦૨નાં તોફાનો દરમ્યાન સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી બિલ્કિસ બાનોને ૫૦ લાખ રૂપિયાનું વળતર, નોકરી અને મકાન આપવાનો નિર્દેશ આપ્યો છે. જોકે, આ નિર્દેશ પહેલાં પણ સુપ્રીમ કોર્ટ આપી ચૂકી છે, પરંતુ આ વખતે કોર્ટે સ્પષ્ટપણે બે સપ્તાહની અંદર બિલ્કિસ બાનોને આ સુવિધાઓ આપવા કહ્યું છે. નોંધનીય છે કે હિંસક ભીડે આ હુમલામાં બિલ્કિસ બાનો સાથે સામૂહિક બળાત્કાર કર્યો હતો અને તેના પરિવારના ૧૪ સભ્યોની હત્યા કરી દીધી હતી. બિલ્કિસ બાનો પર થયેલા સામૂહિક દુષ્કર્મ બાદ આ કેસ કોર્ટમાં ચાલ્યો હતો જેમાં નીચલી કોર્ટે ૧૨ લોકોને દોષિત જાહેર કરીને તેમને આજીવન કેદની સજા ફટકારી હતી. 

આ વર્ષે એપ્રિલ મહિનામાં આ મામલાની સુનાવણી દરમ્યાન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ દીપક ગુપ્તા અને જસ્ટિસ સંજીવ ખન્નાની બેન્ચને ગુજરાત સરકારે સૂચિત કરી કે આ મામલામાં દોષી પોલીસ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી ચૂકી છે. બેન્ચને એમ પણ જણાવવામાં આવ્યું હતું કે પોલીસ અધિકારીઓને પેન્શન લાભ રોકી દેવામાં આવ્યા છે અને મુંબઈ હાઈ કોર્ટ દ્વારા દોષી આઇપીએસ અધિકારીને બે રેન્કનું ડિમોશન કરવામાં આવ્યું છે.
બિલ્કિસ બાનોએ આ પહેલાં સુપ્રીમ કોર્ટ સમક્ષ એક અરજી કરી તેમને પાંચ લાખ રૂપિયા વળતર આપવાની રાજ્ય સરકારની રજૂઆત ઠુકરાવતાં એવું વળતર માગ્યું હતું જે બીજાઓ માટે ઉદાહરણરૂપ બને. સુપ્રીમ કોર્ટે આ પહેલાં ૨૯ માર્ચે ગુજરાત સરકારને કહ્યું હતું કે મુંબઈ હાઈ કોર્ટ દ્વારા દોષી ઠેરવેલા આઇપીએસ અધિકારી સહિત તમામ દોષી પોલીસકર્મીઓ વિરુદ્ધ બે સપ્તાહની અંદર અનુશાસનાત્મક કાર્યવાહી કરવામાં આવે.
નોંધનીય છે કે ચકચારી બિલ્કિસ બાનો સામૂહિક દુષ્કર્મ કેસમાં સુપ્રીમ કોર્ટે ૨૩ એપ્રિલે ગુજરાત સરકારને પીડિતા બિલ્કિસ બાનોને ૫૦ લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ કર્યો છે. આ ઉપરાંત સુપ્રીમે ગુજરાત સરકારને પીડિતાને સરકારી નોકરી તેમ જ નિયમ પ્રમાણે રહેવાની જરૂરી સુવિધા પૂરી પાડવાનો પણ આદેશ કર્યો છે. દુષ્કર્મ સમયે બિલ્કિસની ઉંમર ૨૧ વર્ષ હતી. સામૂહિક દુષ્કર્મ ઉપરાંત બિલ્કિસના પરિવારના ૧૪ લોકોની ટોળાએ હત્યા કરી નાખી હતી. મૃતકોમાં બિલ્કિસની એક દીકરીનો પણ સમાવેશ થાય છે. આ કેસમાં ગુજરાત સરકારે બિલ્કિસને પાંચ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી હતી, જેની સામે બિલ્કિસ સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી.

gujarat