સારવારના નામે બે મહિનાની બાળકીને લોખંડના ગરમ સળિયાથી ડામ અપાયા

13 February, 2023 11:17 AM IST  |  Porbandar | Gujarati Mid-day Correspondent

પોરબંદર જિલ્લામાં અંધશ્રદ્ધાના નામે બાળકી પર અત્યાચાર કરનારા ભૂવાની ધરપકડ કરવામાં આવી

પ્રતિકાત્મક ફાઇલ તસ્વીર

પોરબંદર (પી.ટી.આઇ.) :ગુજરાતના પોરબંદર જિલ્લામાં અંધશ્રદ્ધાના નામે બાળકી પર અત્યાચારની હૃદયને હચમચાવતી ઘટના બની છે. પોરબંદરની પોલીસે ગઈ કાલે જણાવ્યું હતું કે અહીં બે મહિનાની બાળકીને લોખંડના ગરમ સળિયાથી ડામ આપવામાં આવ્યા હતા. બાળકી ચીસો પાડતી રહી. ન તો તેની સારવાર કરવાનો દાવો કરનારા ભૂવાને ભાન થયું કે ન તો આ બાળકીના પરિવારને પણ તેની પીડાનો ખ્યાલ આવ્યો. ભૂવાએ ડામ આપ્યા બાદ પણ બાળકી સાજી ન થતાં આખરે તેના ફૅમિલી-મેમ્બર્સ તેને લઈને હૉસ્પિટલમાં પહોંચ્યા હતા.

પોરબંદરના બખરલા ગામમાં બે મહિનાની આ બાળકીને કફ અને ઉધરસની સમસ્યા હતી. તેની ફૅમિલીએ દેશી ઉપચાર કર્યા બાદ પણ બાળકી સાજી ન થતાં તેને ભૂવાની પાસે લઈ જવાઈ હતી. જોકે આ ભૂવાએ સારવારના નામે બાળકી પર અત્યાચાર કર્યા. 

ડેપ્યુટી પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ સુરજિત મહેડુએ કહ્યું હતું કે આ ભૂવાની ગઈ કાલે ધરપકડ કરવામાં આવી હતી અને તેની અને આ બાળકીની માતાની વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવ્યો છે. 

આ બાળકીને એક સરકારી હૉસ્પિટલના આઇસીયુમાં ઍડ્મિટ કરવામાં આવી છે. તે ઑબ્ઝર્વેશન હેઠળ છે. તેની સ્થિતિ અત્યારે સ્થિર હોવાનું જણાવાયું છે. 

gujarat news porbandar Gujarat Crime Crime News ahmedabad