પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલે કહ્યું, ગુજરાત બીજેપી હવે આત્મનિર્ભર બનશે

21 August, 2020 04:58 PM IST  |  Mumbai | Shailesh Nayak

પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલે કહ્યું, ગુજરાત બીજેપી હવે આત્મનિર્ભર બનશે

ગુજરાત બીજેપીના નવનિયુક્ત પ્રદેશઅધ્યક્ષ સી. આર. પાટીલની ગઈ કાલે ખોડલધામ ખાતે રજતતુલા કરાઈ હતી. ખોડલધામમાં પ્રદેશાધ્યક્ષને ૧૧૦ કિલો ચાંદીથી તોળાયા, ખોડલધામ સંસ્થાને આ ચાંદી ભેટ અપાઈ

એક યા બીજા કારણસર વંડી ઠેકીને પક્ષ બદલતા ગુજરાત કૉન્ગ્રેસના વિધાનસભ્યોને હવે બીજેપીમાં એન્ટ્રી મળશે નહીં અને એ રીતે ગુજરાત બીજેપી આત્મનિર્ભર બનશે, એવા મતલબની વાત ગઈ કાલે ગુજરાત બીજેપીના નવનિયુક્ત પ્રદેશઅધ્યક્ષ સી. આર. પાટીલે કરતાં સૌરાષ્ટ્રના પ્રવાસ દરમ્યાન સભામાં કહ્યું હતું કે હવે કોઈને લાવવાની જરૂર નહીં પડે, જે આવી ગયા છે તે નસીબદાર છે.‍
ગુજરાત બીજેપીના પ્રદેશઅધ્યક્ષ સી. આર. પાટીલે ગઈ કાલે જૂનાગઢમાં જૂનાગઢ જિલ્લાના બીજેપીના સંગઠનના પદાધિકારીઓ અને કાર્યકરો સાથે સંગઠનલક્ષી બેઠક યોજી હતી. આ ઉપરાંત તેઓએ કાગવડસ્થિત ખોડલધામની મુલાકાત લીધી હતી અને ખોડિયાર માતાજીનાં દર્શન કર્યાં હતાં. ખોડલધામમાં જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લા પરિવાર, સુરત દ્વારા સી. આર. પાટીલની રજતતુલા કરવામાં આવી હતી. બીજેપીના પ્રદેશઅધ્યક્ષને ૧૧૦ કિલો ચાંદીથી તોળવામાં આવ્યા હતા. આ ચાંદી ખોડલધામ સંસ્થાને ભેટ આપવામાં આવી હતી.
સી. આર. પાટીલે ગઈ કાલે સંગઠનના આગેવાનો અને કાર્યકરોને સંબોધતાં કહ્યું હતું કે ‘હવે પછી કોઈને લાવવાની જરૂર નહીં પડે. ૧૮૨માંથી ૧૮૨ જીતવાના હોય, બધા જ બીજેપીના હોય તો લાવીશું કોને?, રહેશે કોઈ લાવવા માટે? જે આવી ગયા છે તે નસીબદાર છે. જવાહરભાઈ પણ છે એમાં.’
આમ કહીને સી. આર. પાટીલે કૉન્ગ્રેસ પક્ષ પર શાબ્દીક પ્રહાર કરતાં કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસે કરેલા કરતૂતના કારણે લોકો સમક્ષ પોતાની જાતને છુપાવતા ફરે છે. પોતાની ઓળખ અલગથી ઊભી કરીને લોકો પાસે જવાની તેમની તાકાત નથી.’
સી. આર. પાટીલે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘૨૬માંથી ૨૬ સીટ ગુજરાતમાં જીતી શકતા હોય તો ૧૮૨ સીટો જીતવી બિલકુલ અઘરી નથી અને એટલે જ અમે એનો રોડમૅપ બનાવ્યો છે. કાર્યકર્તાઓએ કેવી રીતે કામ કરવું અને એ ચોક્કસ નક્કી કરેલી નીતિ પર અને રીત પર કામ કરશે તો ૧૦૦૧ ટકા ૧૮૨ સીટ ગુજરાતની બીજેપીને મળશે એ હું તમને દાવા સાથે કહી શકું છું.’

shailesh nayak national news gujarat