વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ ઊંઝામાં ઉમિયા માતાજીના મંદિરમાં દિવ્યાંગ શ્રદ્ધાળુઓ માટે સ્ટેર-લિફ્ટની સુવિધા

22 September, 2026 01:39 PM IST  |  sabarkantha | Gujarati Mid-day Correspondent

મંદિરના ઉત્તર દરવાજેથી લિફ્ટ દ્વારા દર્શન મંડપ સુધી પહોંચીને નિજ મંદિરમાં ઉમિયા માતાજીનાં દર્શન કરી શકશે

દિવ્યાંગજનો સ્ટેર લિફ્ટમાં બેસીને મંદિરમાં જઈ રહ્યા છે.

ઉત્તર ગુજરાતમાં આવેલા યાત્રાધામ ઊંઝામાં પાટીદાર સહિતના સમાજોના શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર સમા તથા કડવા પાટીદાર સમાજની કુળદેવી ઉમિયા માતાજીના મંદિરમાં દિવ્યાંગ દર્શનાર્થીઓ માટે આવકારદાયક કાર્ય કરવામાં આવ્યું છે. ઉમિયા માતાજીનાં દર્શન કરવા આવતા અગણિત દિવ્યાંગ શ્રદ્ધાળુઓને મંદિરમાં જવા માટે તકલીફ ન પડે અે માટે સ્ટેર-લિફ્ટની સુવિધા ઊભી કરવામાં આવી છે.

દર વર્ષે દેશ-વિદેશથી લાખ્ખો શ્રદ્ધાળુઓ ઉમિયા માતાજીનાં દર્શન કરવા મંદિરે આવતા હોય છે ત્યારે દિવ્યાંગ શ્રદ્ધાળુઓ સહજતાથી અને અગવડ વગર મંદિરમાં જઈને માતાજીનાં દર્શન કરી શકે એ માટે અંદાજે પાંચ લાખના ખર્ચે મંદિરમાં બે સ્ટેર લિફ્ટની સુવિધા ઊભી કરાઈ છે. મંદિરના પશ્ચિમ દ્વારથી સ્ટેર લિફ્ટની મદદથી સીધા મંદિરના પરિસર સુધી જઈ શકશે. ત્યાર બાદ મંદિરના ઉત્તર દરવાજેથી લિફ્ટ દ્વારા દર્શન મંડપ સુધી પહોંચીને નિજ મંદિરમાં ઉમિયા માતાજીનાં દર્શન કરી શકશે. આ સુવિધા શરૂ કરાતાં દિવ્યાંગ દર્શનાર્થીઓમાં હાશકારા સાથે રાહત ફેલાઈ છે.

gujarat news gujarat religious places sabarkantha