શિવાજી જયંતીઃશું છે શિવાજીની સુરતની લૂંટનું સત્ય ?

19 February, 2019 04:43 PM IST  | 

શિવાજી જયંતીઃશું છે શિવાજીની સુરતની લૂંટનું સત્ય ?

છત્રપતિ શિવાજી મહારાજ

આજે શિવાજી જયંતીની દેશભરમાં ઉજવણી થઈ રહી છે. શિવાજીને જુદી જુદી રીતે યાદ કરાઈ રહ્યા છે. તેમનું શૌર્ય, તાકાત, હિંમત લાજવાબ હતા. જો કે ગુજરાતના ઈતિહાસમાં શિવાજીના નામે એક એવી ઘટના નોંધાઈ છે, જેને સારી કહેવી કે ખરાબ તે વિશે ઈતિહાસકારોમાં પણ મતભેદ છે.

શું હતી ઘટના ?

ઘટના 5 જાન્યુઆરી, 1664ની છે, જ્યારે શિવાજીએ સુરત પર આક્રમણ કર્યું હતું. શિવાજી અને મુઘલ સરદાર ઈનાયત ખાન વચ્ચે થયેલા યુદ્ધમાં મરાઠાઓ જીત્યા હતા અને બાદમાં સુરતમાં લૂંટ ચલાવાઈ હતી. ત્રણ દિવસ સુધી ચાલેલા આ આક્રમણમાં સુરતના વેપારીઓની સંપત્તિ લૂંટાઈ હોવાનું ઈતિહાસમાં નોંધાયું છે. જો કે કેટલાક ઈતિહાસકારો કહે છે કે શિવાજીએ સુરત લૂંટ્યું હતું, તો કેટલાક ઈતિહાસકારોનું કહેવું છે કે શિવાજીએ સામાન્ય લોકોને નુક્સાન નહોતું પહોંચાડ્યું પરંતુ માત્ર મુઘલ અને પોર્ટુગીઝ વેપારીઓની સંપત્તિ લૂંટાઈ હતી.

જો કે ગુજરાત યુનિવર્સિટીના ઈતિહાસ વિભાગના અધ્યક્ષ અને પ્રોફેસર અરૂણ વાઘેલાનું કહેવું છે કે શિવાજીએ સુરતને લૂંટ્યુ હતું. તેમના કહેવા પ્રમાણે શિવાજીએ 1664 અને 1670 એમ બે વખત શિવાજીએ સુરત પર હુમલા કર્યા હતા. જેમાં મોટા ભાગે સામાન્ય નાગરિકો અને વેપારીઓ જ ભોગ બન્યા હતા. અરૂણ વાઘેલાના મતે શિવાજીને તે સમયે ઔરંગઝેબ સામે લડવા નાણાની જરૂરી હતી, એટલે આ લૂંટ થઈ હતી. સાથે જ મુઘલ સલ્તનતને પડકાર આપવો એ પણ એક કારણ હતું.

તે સમયે સુરતમાં વીરજી વોરા, હાજી ગાસોર જેવા મોટા મોટા વેપારીઓ હતા. કહેવાય છે કે વીરજી વોરા તે સમયના એટલા મોટા વેપારી હતા કે તેમણે ઈસ્ટ ઈન્ડિયા કંપનીને લોન આપી હતી. ઈતિહાસના પ્રોફેરસર અરૂણ વાઘેલા કહે છે કે તે સમયે શિવાજીનું સૈન્ય 25 ગાડા ભરીને માલસામાન લઈ ગયું હતું. માન્યતા એવી પણ છે કે તે સમયનું સુરત મુંબઈ કરતા પણ વધુ સમૃદ્ધ હતું. અને ભારતના વેપારનું કેન્દ્ર હતું. પરંતુ શિવાજીના આક્રમણ બાદ સુરતે પોતાની ચમક ખોઈ નાખી. સલામતીનો પ્રશ્ન ઉભો થતા વેપારીઓએ પણ સુરત છોડ્યું, અને સુરતના ધંધા રોજગાર પડી ભાંગ્યા

gujarat