ફર્સ્ટ ફેઝના વોટિંગ પહેલાં જૂના જોગીઓ કેમ કામે લાગી ગયા?

01 December, 2022 07:19 AM IST  |  Rajkot | Rashmin Shah

ગુજરાતમાં આજે પહેલા તબક્કાનું મતદાન છે ત્યારે અસંતોષીઓ બીજેપીના જ કૅન્ડિડેટને હરાવવાનું કામ કરશે એવા ‌િરપોર્ટ મળતાં બીજેપીએ બે રસ્તા અપનાવ્યા

રાજકોટમાં ચૂંટણીસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી. પી.ટી.આઈ.

ગુજરાતમાં આજે પહેલા તબક્કાનું મતદાન છે ત્યારે અસંતોષીઓ બીજેપીના જ કૅન્ડિડેટને હરાવવાનું કામ કરશે એવા ‌િરપોર્ટ મળતાં બીજેપીએ બે રસ્તા અપનાવ્યા, જેમાં બીજો રસ્તો હતો ઇલેક‍શન પછી કામ નહીં કરનારા કે પાર્ટી વિરુદ્ધ કામ કરનારા અસંતોષીઓ સામે ડિસિપ્લિનરી ઍક્‍શન લીધી અને એની અસર આકરી પડી

રાજકોટ : ગુજરાતમાં આજે જ્યારે પ્રથમ તબક્કાનું વોટિંગ શરૂ થઈ રહ્યું છે ત્યારે અચાનક જ બીજેપીના કલેવરમાં ચેન્જ આવ્યો છે અને ગઈ કાલથી બીજેપીના એ જૂના જોગીઓ જાગી ગયા છે, જે પ્રચારની આખી સફર દરમ્યાન ક્યાંય જોવા નહોતા મળતા. આ જે મૅજિક થયો છે એની પાછળ બીજેપીની રણનીતિ કામ કરી ગઈ છે.

આ ઇલેક્શનમાં બીજેપીએ ૩પથી વધારે નવા ચહેરા ઇન્ટ્રોડ્યુસ કર્યા, જેને લીધે કાર્યકરોમાં અસંતોષ બહુ મોટા પાયે ફેલાયો હતો. એ અસંતોષને કારણે બધા જૂના જોગીઓ કૅમ્પેનથી દૂર થઈ ગયા હતા, તો અનેક એવા પણ હતા જેમણે પોતાના સ્થાને મુકાયેલા એ નવા ચહેરા વિરુદ્ધ ખાનગીમાં પ્રચાર પણ શરૂ કર્યો હતો.

નૅચરલી બીજેપીની કોર કમિટી સુધી આ વાત પહોંચી એટલે એણે બે રસ્તા એકસાથે ખોલ્યા. પહેલો રસ્તો, કૅમ્પેનની મોટા ભાગની જવાબદારી વડા પ્રધાન અને બીજેપીના ફેસ એવા નરેન્દ્ર મોદીના ખભે મૂકી દીધી અને એના ભાગરૂપે છેલ્લા ૧૦ દિવસથી નરેન્દ્ર મોદી ગુજરાતમાં જ રહ્યા અને તન-મન-ધનથી તેમણે કૅમ્પેન સંભાળી લીધું. બીજો રસ્તો જે વાપર્યો એ છે ડિસિપ્લિનરી ઍક્શન.

બીજેપી કોર કમિટીએ આ જ વાત ગુજરાત બીજેપીમાં પ્રસરાવી દીધી કે ઇલેક્શનમાં જેણે પણ પાર્ટી કે પાર્ટીના કૅન્ડિડેટ વિરુદ્ધ કામ કર્યું છે એ સૌની સામે ઇલેક્શન પછી ઍક્શન લેવામાં આવશે. આ મેસેજ કાનોકાન પહોંચાડવાના હેતુથી જ ગુજરાત બીજેપીના પ્રમુખ સી. આર. પાટીલ છેલ્લા એક વીકથી સૌરાષ્ટ્ર-કચ્છ સહિતની ૮૯ બેઠકો પર વિઝિટ પર નીકળી ગયા અને પરિણામ એ આવ્યું કે જૂના જોગીઓને રિયલાઇઝ થયું અને કામે લાગી જવાનું વાજબી સમજીને તરત જ તેઓ કામે લાગી ગયા. અલબત્ત, આ છેલ્લી ઘડીઓને રણનીતિની કેવી અસર થાય છે એની તો ૮ ડિસેમ્બરે ઈવીએમનું કાઉન્ટિંગ થશે ત્યારે જ ખબર પડશે, પણ હા, મોદી અને બીજેપીએ નક્કી કરેલા ડિસિપ્લિનરી ઍક્શનની અસર તો બીજેપીના એકેએક જોગીઓને થઈ એ તો સનાતન સત્ય છે.

gujarat news gujarat election 2022 gujarat rajkot Vijay Rupani narendra modi