રાજ્યમાં અલર્ટના પગલે સોમનાથની સુરક્ષા વધારાઈ, NSGની ટીમ ખડેપગે

27 February, 2019 03:29 PM IST  |  સોમનાથ | દીર્ઘ મીડિયા ન્યૂઝ એજન્સી

રાજ્યમાં અલર્ટના પગલે સોમનાથની સુરક્ષા વધારાઈ, NSGની ટીમ ખડેપગે

સોમનાથની સુરક્ષામાં કરાયો વધારો

ભારતની બીજી સર્જિકલ સ્ટ્રાઈક બાદ રાજ્યમાં અલર્ટના પગલે સોમનાથની સુરક્ષા વધારવામાં આવી છે. NSGની ટીમ ખડેપગે છે. ભારતીય વાયુસેનાની સર્જિકલ સ્ટ્રાઈક કરી તે બાદ પાકિસ્તાન વળતો પ્રહાર કરી શકે છે. જેના કારણે હાઈ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. સુરક્ષામાં કોઇ ચૂક ન રહી જાય તે માટે ભારતીય સેનાના જવાનોનો કાફલો ગીર સોમનાથના સમુદ્રી વિસ્તારમાં તૈનાત કરી દેવામાં આવ્યો છે.

સોમનાથમાં સઘન સુરક્ષા

ગુજરાતમાં હાઇ એલર્ટને લઇને દિલ્હી થી 4 એન.એસ.જી કમાન્ડો સોમનાથ મંદીરની સુરક્ષા માટે સોમનાથ પહોંચી ગયા છે. આ ઉપરાતં એન.એસ.જી કમાન્ડો દ્વારા સોમનાથ હેલીપેડ સહીત સમુદ્ર કિનારા અને મંદીર પરીસરની ચકાસણી કરવામાં આવી રહી છે.

ગુજરાતના સીમાવર્તી બોર્ડર એલર્ટ જાહેર કરાયું છે. ગુજરાતની ત્રણેય સુરક્ષા પાંખોને ખડેપગે રહેવાનું કહી દેવાયું છે. ગુજરાત રાજ્ય પોલીસ વડાએ પાકિસ્તાન પર એરફોર્સની કાર્યવાહીને પગલે પોલીસ દળના તમામ એકમોને હાઇ એલર્ટ પર મૂક્યા છે. તો આ સ્ટ્રાઈકને પગલે પોલીસ ભવનમાં યોજાનાર કોન્ફરન્સ પણ રદ કરવામાં આવી છે. રાજ્યની સરહદી બોર્ડર પર ચુસ્ત બંદોબસ્તનો હુકમ છોડાયો છે. રાજ્ય બહારથી આવતા વાહનોની તપાસ તેજ કરવામાં આવી છે. હવાઈ હુમલા બાદ રાજ્યની તમામ સરહદો સીલ કરવામાં આવી છે. જેમાં શામળાજી-રતનપુર બોર્ડર પર પણ પોલીસ કાફલો તૈનાત કરાયો છે.

કચ્છ સરહદ પણ હાઈ એલર્ટ પર મૂકાઈ છે. સરહદ પર ગમે તે પરિસ્થિતને પહોંચી વળવા માટે સેનાને ખડેપગે કરાઈ છે. આ માટે ટેન્કનો કાફલો પણ સરહદ પર પહોંચી ગયો છે. કચ્છમાં સૈન્યની મુવમેન્ટ વધી ગઈ છે. કચ્છના સરહદી કોસ્ટલ વિસ્તારોમાં પણ સઘન તપાસ શરૂ કરાઈ છે. તો માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યમાં આરોગ્ય ખાતા પર પણ દવાઓનો પૂરતો જથ્થો રાખવાની અને હેલ્થ ઓફિસરોને રજા પર ન ઉતરવાની સૂચના તકેદારીના ભાગ રૂપે આપી દેવાઈ છે.

gujarat