ગુજરાત સરકારનો નિર્ણય, પ્રવાસની બસો રાત્રે નહીં કરી શકે પ્રવાસ

26 December, 2018 03:17 PM IST  |  gandhinagar

ગુજરાત સરકારનો નિર્ણય, પ્રવાસની બસો રાત્રે નહીં કરી શકે પ્રવાસ

ડાંગમાં વિદ્યાર્થીઓની બસને થયેલા અકસ્માતની ફાઈલ તસ્વીર

શાળા કે કૉલેજની બસોને થતા અકસ્માતને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આજે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રવાસ લઈને જતી બસોને રાત્રિ દરમિયાન પ્રવાસ કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. વારંવાર બનતી અકસ્માતની ઘટનાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સરકારના નિર્ણય અંગે નાયબ મુખ્યમંત્રીએ જાણકારી આપતા કહ્યું કે થોડા સમયથી શાળાને બાળકોને લઈ જતી બસને અકસ્માત થયો હોવાના કિસ્સા વધી રહ્યા છે. જેમાં બાળકોના મોતના સમાચાર પણ સામે આવે છે. વિદ્યાર્થીઓ ઘાયલ પણ થાય છે. આવા કિસ્સામાં સરકાર સહાય જાહેર કરે છે. પરંતુ ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. શાળાના બાળકોને પ્રવાસે લઇ જતી બસો રાતનાં 11 કલાકથી સવારે 6 કલાક સુધી પ્રવાસ નહીં કરી શકે. જે બસો રાતે પ્રવાસ કરતી હતી અને વિવિધ જગ્યાએ અકસ્માતનો ભોગ બની તેવું ભવિષ્યમાં ન થાય એટલે રાતે બસો પ્રવાસ કરી શકશે નહીં. આ ઉપરાંત બાળકોને રાતે રહેવાની યોગ્ય વ્યવસ્થા કરશે.

મહત્વનું છે કે ચાર દિવસ પહેલા જ ડાંગમાં વિદ્યાર્થીઓને લઈ જઈ રહેલી બસ ખીણમાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો. 300 ફૂટ ઉંડી ખીણમાં ખાબકેલી આ બસમાં ત્યારે 50 વિદ્યાર્થીઓ સવાર હતા. જેમાંથી 10નાં મોત થયા હતા. જે બાદ રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.

gujarat