સૌરાષ્ટ્રના દરિયાકિનારે ૫૦ હજાર જેટલા માછીમારો બોટમાં ક્વૉરન્ટીન કરાયા

03 April, 2020 03:23 PM IST  |  Mumbai Desk

સૌરાષ્ટ્રના દરિયાકિનારે ૫૦ હજાર જેટલા માછીમારો બોટમાં ક્વૉરન્ટીન કરાયા

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસના કારણે સૌરાષ્ટ્રના આશરે ૫૦ હજાર માછીમારો માંગરોળ, વેરાવળ, પોરબંદર અને ઓખા સુધીના કિનારા પર બોટમાં જ ક્વૉરન્ટીન છે. આ માછીમારો પોતાના પરિવારોને મળી નથી શકતા અને તેમની આવક પણ બંધ છે. મળતી માહિતી પ્રમાણે માછીમારી બંધ થઈ જતાં આશરે પાંચ હજાર કરોડથી વધુ નુકસાન આ ઉદ્યોગને થયાનું આગેવાનો જણાવી રહ્યા છે.

સૌરાષ્ટ્રમાં હાલ માંગરોળમાં આશરે ૯ હજાર, પોરબંદરમાં ૧૦ હજાર, વેરાવળમાં ૧૫ હજાર અને ઓખાની આસપાસ આશરે ૧૫ હજાર માછીમારો હાલ કિનારા પરની બોટમાં જ ક્વૉરન્ટીન છે. આ લોકોની તમામ વ્યવસ્થા બોટમાલિકો દ્વારા કરવામાં આવી રહી છે. મળતી માહિતી પ્રમાણે માંગરોળમાં આશરે ૮૦૦, પોરબંદરમાં ૨૫૦૦, વેરાવળમાં ૨૫૦૦ અને ઓખામાં પણ ૨૫૦૦ જેટલી બોટ હાલ કિનારા પર છે જેમાં ૫૦ હજારથી વધુ માછીમારો ક્વૉરન્ટીન છે.

આ કપરી પરિસ્થિતિ અંગે ઑલ ઇન્ડિયા ફિશરમેન્સ અસોસિએશનના પ્રમુખના જણાવ્યા મુજબ કોરોના વાઇરસની આ સ્થિતિમાં માછીમારોની હાલત સૌથી ખરાબ છે. હજારો માછીમાર પરિવારો બેકારીમાં જીવી રહ્યા છે. ફિશ‌િંગ માટે ગયેલા માછીમારો કિનારે આવીને અટવાયા છે જેથી તેમના પરિવારોને બે ટંક ખાવાનાં સાંસાં પડી રહ્યાં છે. ફિશ‌િંગમાં ગયેલી બોટને વહીવટી તંત્રએ પરત બોલાવી લેવા આદેશ કરતા બોટ સાથે માછીમારો પરત તો આવી ગયા છે પણ તેમને કિનારે જ અટકાવી દેવામાં આવ્યા છે. બોટમાં જ કવૉરન્ટીન કરાયા છે, કારણ કે તેમના પરિવાર પર કોઈ જોખમ ઊભું ન થાય.

saurashtra gujarat coronavirus covid19