06 September, 2023 02:58 PM IST | ahmedabad | Gujarati Mid-day Correspondent
સાળંગપુરમાં હનુમાનદાદાની વિરાટ પ્રતિમા નીચેથી વિવાદાસ્પદ ભીંતચિત્રો હટાવીને એના સ્થાને બીજાં ચિત્રો લગાડાયાં હતાં.
અમદાવાદ : વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં શ્રી સ્વામીનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર પરિસરમાં હનુમાનજીની વિરાટ પ્રતિમા નીચે હનુમાનદાદાને પગે લાગતા દેખાડવાના વિવાદાસ્પદ ભીંતચિત્રને સૂર્યોદય પહેલાં હટાવી લેવામાં આવશે એવી ખાતરી આપ્યા બાદ સાળંગપુર મંદિરના સત્તાવાળાઓએ એ પાળી બતાવી છે અને હનુમાનજીનાં વિવાદાસ્પદ ભીંતચિત્રો સોમવારે મધરાતે હટાવી લીધાં હતાં. હનુમાનદાદાનાં વિવાદાસ્પદ ચિત્રો હટાવી લેવાતાં હનુમાનજીના ભાવિકોમાં ખુશી ફેલાઈ ગઈ હતી અને સનાતન ધર્મના સંતોએ પણ આ બાબતને આવકારી હતી.
સાળંગપુરમાં આવેલા હનુમાનજી મંદિર પરિસરમાં હનુમાનદાદાની વિરાટ પ્રતિમા નીચે મુકાયેલી હનુમાનદાદાની વિવાદાસ્પદ પ્રતિમા હટાવવા માટે સોમવારની મધરાતે કામગીરી હાથ ધરાઈ હતી. કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે પોલીસ-બંદોબસ્ત ગોઠવાયો હતો. વિવાદાસ્પદ ભીંતચિત્રો કાઢતી વખતે પડદા આડા કરી દીધા હતા અને ચિત્રો કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી. વિવાદાસ્પદ બે ચિત્રો કાઢી લઈને એના સ્થાને અન્ય ચિત્રો મુકાયાં હતાં.
ઉલ્લેખનીય છે કે સાળંગપુરમાં આવેલા હનુમાનદાદાના મંદિર પરિસરમાં હનુમાનજી પગે લાગતા હોય એવાં વિવાદાસ્પદ ચિત્રો મુકાતાં ભાવિકો અને સનાતન ધર્મના સાધુ-સંતોમાં નારાજગી સાથે રોષ ફેલાયો હતો અને ભારે વિરોધ ઊઠ્યો હતો. સોમવારે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ સાળંગપુરના સંતોની બેઠક મળી હતી અને આ વિવાદનો શાંતિથી ઉકેલ લાવવા સમજાવાયા બાદ હનુમાનજીનાં વિવાદાસ્પદ ભીંતચિત્રો હટાવી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો