એક સલામઃ ગામના સરપંચે ઘરેણાં ગિરવી મૂકીને ગરીબોને પાંચ-પાંચ હજાર આપ્યા

04 April, 2020 05:26 PM IST  |  Mumbai Desk

એક સલામઃ ગામના સરપંચે ઘરેણાં ગિરવી મૂકીને ગરીબોને પાંચ-પાંચ હજાર આપ્યા

હાલ દેશભરમાં ૨૧ દિવસનું લૉકડાઉન ચાલી રહ્યું છે. આ લૉકડાઉન વચ્ચે શ્રમિકો પરેશાન છે. તેમને બે ટંક ખાવા માટેનાં ફાંફાં પડી રહ્યાં છે. શહેરો નહીં, પરંતુ ગામડાઓમાં પણ મજૂરી કરીને ગુજરાત ચલાવતા પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે મહુવા તાલુકાના એક ગામના સરપંચે માનવતાનું એવું ઉદાહરણ પૂરું પાડ્યું છે કે ગામના લોકો તેમને દુઆ દેતા થાકતા નથી. સરપંચે પોતોનાં ઘરેણાં ગિરવી મૂકી દરેક ગરીબના ઘરે અનાજ અને રોકડ સહાય પહોંચાડી છે.

મહુવા તાલુકામાં તાવેડા નામે એક ગામ આવેલું છે. ગામની વસ્તી આશરે ૩૫૦૦ લોકોની છે. લૉકડાઉનને કારણે ધંધા અને મજૂરીકામ બંધ થઈ જતાં ગામના સરપંચ દાનુભાઈ આયરને ગરીબ શ્રમિકોની ચિંતા કોરી ખાતી હતી. તેમણે મનમાં ને મનમાં આ લોકોની મદદ કરવાનું નક્કી કર્યું. સમસ્યા એ હતી કે તેમની પાસે પણ રોકડા રૂપિયા નહોતા. આથી તેમણે પોતાના તમામ દાગીના બૅન્કમાં મૂકીને ગામલોકોની મદદ કરવાનું મન બનાવ લીધું. તેઓ પોતાના દાગીના લઈને બૅન્કમાં પહોંચી ગયા અને સાડાનવ લાખ રૂપિયાની લોન લીધી હતી. બૅન્કમાં દાગીના જમા કરાવ્યા બાદ જે રકમ આવી એમાંથી સરપંચ દાનુભાઈએ ગામના ગરીબ લોકોને કરિયાણું અપાવ્યું હતું એટલું જ નહીં, જે પણ ગરીબ પરિવારને રોકડમાં સહાયની જરૂર હતી તેમને એક હજારથી લઈને પાંચ હજાર રૂપિયા આપ્યા હતા. આ અંગે સરપંચે જણાવ્યું હતું કે મેં મારાં તમામ ઘરેણાં બૅન્કમાં મૂકી દીધાં છે. એના બદલામાં મળેલા સાડાનવ લાખમાંથી ગરીબોને કરિયાણું આપ્યું છે. જેમને પણ રોકડ સહાયની જરૂર હતી તેમને રોકડા આપ્યા છે. ગામનો કોઈ પણ માણસ ભૂખ્યો ન સૂએ રહે એ માટેની મેં નેમ લીધી છે. જો જીવતા રહીશું તો ઘરેણાં ફરીથી બનાવી લઈશું.

gujarat national news coronavirus covid19