દેશ માટે ગોલ્ડ મેડલ જીતેલી સરિતા ગાયકવાડ હજી પણ ગારાના મકાનમાં રહે છે

07 July, 2019 09:24 AM IST  |  ડાંગ | રોનક જાની

દેશ માટે ગોલ્ડ મેડલ જીતેલી સરિતા ગાયકવાડ હજી પણ ગારાના મકાનમાં રહે છે

આ છે સરિતાનું ઘર

દેશને આંતરરાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેડલ અપાવનાર આદિવાસી દીકરીના ઘરે આજે પણ ભૌતિક સુવિધાનો અભાવ છે. અહીં કાચું મકાન, લીપેલું આંગણું અને અંદર મેડલનો શણગાર છે.એશિયન ગેમમાં ગોલ્ડ મેડલ મેળવીને ભારતનું નામ રોશન કરનાર સરિતા ગાયકવાડે ફરી એક વાર વિદેશની ધરતી પર દોડ લગાવીને પ્રથમ ક્રમાંક સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો છે. દીકરીની સિદ્ધિ બદલ તેનાં માતા-પિતાએ ખુશી વ્યક્ત કરી છે.

૨૦૧૮માં જકાર્તા ખાતે રમાયેલી એશિયન ગેમ્સ-૨૦૧૮માં ગોલ્ડ મેડલ મેળવીને વિદેશની ધરતી પર દેશ સહિત ગુજરાત રાજ્ય અને ડાંગ જિલ્લાનું નામ રોશન કરનાર સરિતા ગાયકવાડે ફરી એક વાર પોલૅન્ડમાં રમાઈ રહેલી યુરોપ ઍથ્લેટિક્સ - ૨૦૧૯માં ભાગ લીધો હતો જેમાં ૪૦૦ મીટર મહિલા દોડમાં અન્ય પ્રતિસ્પર્ધીને પાછળ રાખીને સરિતાએ ૫૪.૨૧ સેકન્ડમાં લક્ષ પૂરું કરી પ્રથમ નંબરે રહીને ગોલ્ડ પ્રાપ્ત કર્યો છે. સરિતાએ મેળવેલી સિદ્ધિ બદલ તેના પરિવારમાં ખુશીનો માહોલ છે. ગરીબ પરિવારમાં ઊછરેલી સરિતા ગાયકવાડ પોતાની મહેનતે રમતક્ષેત્રે આગળ આવી છે.

આ પણ વાંચોઃ 'ડાંગ એક્સપ્રેસ' સરિતાની સોનેરી દોડ, યુરોપ એથ્લેટિક ચેમ્પિયનશીપમાં જીત્યો ગોલ્ડ

૨૦૧૮ની એશિયન ઍથ્લેટિક્સમાં મહિલા રિલે દોડમાં ગોલ્ડ મેળવનાર સરિતાને સરકારે ઇનામ જાહેર કર્યું હતું અને અનેક સંસ્થાએ પણ સરિતાને સહાય જાહેર કરી હતી. જોકે એક વર્ષ બાદ સરિતાના ઘરે આજે પણ ભૌતિક સુવિધાનો અભાવ જોવા મળે છે. આજે પણ એ જ કાચું મકાન, લીંપેલું આંગણું અને બારણે બાંધેલાં ઢોર સાથે આદિવાસી પોશાકમાં તેનાં માતાપિતા જોવા મળે છે. અગાઉ સરકાર દ્વારા મળેલી સહાયથી ચોક્કસ તેનું જીવન બદલાયું છે અને આગામી સપ્ટેમ્બર ‌મહિનામાં સરિતા પાછી વતન આવશે ત્યારે નવા ઘરનો પાયો નખાશે એવું તેના પપ્પાએ કહ્યું છે.

gujarat sports news