રેશ્મા પટેલે ભાજપમાંથી રાજીનામું આપ્યું, કરી લોકસભા ચૂંટણી વિશે જાહેરાત

15 March, 2019 06:27 PM IST  |  રાજકોટ

રેશ્મા પટેલે ભાજપમાંથી રાજીનામું આપ્યું, કરી લોકસભા ચૂંટણી વિશે જાહેરાત

ભાજપ માંથી રાજીનામું

પૂર્વ પાસ કન્વીનર રેશ્મા પટેલે ભાજપનો ખેસ ઉતારી દીધો છે. તેણે રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપમાંથી રાજીનામું આપ્યાની જાહેરાત કરી હતી. છેલ્લા ઘણા સમયથી ભાજપથી નારાજ રેશમા પટેલે કહ્યું કે મે મારા રાજીનામાનો પત્ર અને ભાજપનો ખેસ તેના કાર્યાલય ખાતે કુરીયર કરી દીધો છે. તેણે કહ્યું કે તે હવે ભાજપને હરાવવા લોકસભા ચૂંટણી લડશે. રેશ્મા પટેલ ભાજપને છોડ્યા બાદ હાલ કોઈ પક્ષમાં જોડાયા નથી.

2017માં તેણે ભાજપનો ખેસ પહોંર્યો હતો

રેશ્મા પટેલ 2017થી ભાજપ સાથે જોડાયેલા હતા. રેશ્મા પટેલે ભાજપ પર આક્ષેપ લગાવ્યા હતા કે,'ભાજપ મહિલાઓને ટિકિટ નથી આપતું.' રેશ્મા પટેલ દ્વારા આપવામાં આવેલ રાજીનામામાં તેમણે લખ્યું હતુ કે, ભાજપ માત્ર માર્કેટિંગ કંપની બની ગઈ છે અને ભાજપ અમને સેલ્સમેનની જેમ તેમની ખોટી નીતિઓ લોકો સુધી પહોંચાડે છે અને સામાન્ય જનતાને છેતરવાનું કામ કરે છે. રેશ્મા પટેલે રાજીનામાં સાથે પાર્ટીનો ખેસ ભાજપ અધ્યક્ષને પરત કર્યો હતો.

પ્રેસના માધ્યમથી રેશમાએ ચુંટણીને લઇને પોતાનું ભવિષ્યના પ્લાનને લઇને જણાવ્યું હતું કે, ભાજપની નીતિઓ વિરૂદ્ધ હું પોરબંદર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડીશ અને એ માટે પ્રચારનું કામ પણ શરૂ કરી દીધું છે. રેશમા પટેલે ચૂંટણી લડવા માટે ઉપલેટામાં ચૂંટણી કાર્યલય શરૂ કર્યું હોવાની જાહેરાત પણ કરી હતી. આ ઉપરાંત કયા પક્ષમાંથી ચૂંટણી લડશે તેના સ્પષ્ટ સંકેત આપ્યા નથી.

 

આ પણ વાંચો: અમદાવાદ: રિલિફ રોડ પર આવેલા મોબાઈલ માર્કેટમાં આગ, કારણ અકબંધ

 

પાટિદાર અનામત આંદોલનમાં સક્રિય રેશ્મા પટેલે હાર્દિક પટેલ સાથે રહીને પાટિદાર અનામત આંદોલન માટે સરકાર સામે લડી હતી. જો કે 2017માં ભાજપમાં જ જોડાઈ હતી. ઉલ્લેખનીય છે કે પાસ કન્વિનર હાર્દિક પટેલ હાલમાં જ કોંગ્રેસ સાથે જોડાયા છે. રેશ્મા પટેલે રાજીનામા સાથે એલાન કર્યું છે કે હવે તે ભાજપને હરાવવા ચૂંટણી લડશે જો કે કયા પક્ષ સાથે તે હાલ જાહેર નથી કરાયું. તો બીજી તરફ રેશ્માએ ભાજપમાં રહીને હાર્દિકનો હંમેશા વિરોધ કર્યા બાદ આજે તેણે હાર્દિકના કોંગ્રેસમાં જોડાવાને પ્રશ્ન પર સકારાત્મક જવાબ આપતા કહ્યું હતું કે તેણે સાચું પગલું ભર્યું છે.

gujarat rajkot