ગુજરાતમાં મેઘો મહેરબાન, મોસમનો સરેરાશ 32.58 ટકા વરસાદ નોંધાયો

26 July, 2021 02:06 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થઈ ગયા છે. રાજ્યમાં સરેરાશ 32.58 ટકા વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં સરેરાશ 32.58 ટકા વરસાદ નોંધાયો

ગુજરાતમાં આજે સવારે ચાર કલાકમાં 88 તાલુકામાં વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજયના 240 તાલુકામાં ચોમાસા જોવા મળ્યું, જેમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢ, સુરેન્દ્રનગર, મહીસાગર, મહેસાણા,ડાંગ, તાપી, અરવલ્લી, પાટણ, અમદાવાદ, ખેડા, સુરત જિલ્લામાં નોંધાયો છે. આગામી 30 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

 જૂનાગઢના માળિયામાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. જામનગરના જામજોધપુર તાલુકાના નરમાણા ગામે બપોર બાદ આભ ફાટતાં 3 કલાકમાં 10 ઇંચ વરસાદથી ગામમાં ભારે પાણી ભરાયા હતાં. ધ્રોલ અને જોડિયા તાલુકામાં 3 ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે છોટાઉદેપુર તાલુકામાં 7.5 ઇંચ, ક્વાંટ તાલુકામાં 6.73 ઇંચ વરસાદ ખાબક્યો હતો. સૌથી વધુ સાબરકાંઠાના પ્રાંતિજમાં 5 ઇંચ, મહેસાણાના ઊંઝામાં 3.50 ઇંચ વરસાદ નોંધાયો હતો. વલસાડ જિલ્લાના વાપીમાં 2 ઇંચ, કપરાડામાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો. પંચમહાલના ગોધરામાં 3 ઇંચ, મોરવા(હ)માં 2.5 ઇંચ, જાંબુઘોડા અને શહેરમાં 3 ઇંચ ખાબક્યો હતો.

બંગાળના અખાતમાં સર્જાયેલા લો પ્રેશર તથા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં 30 જુલાઈ સુધી વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ થવાની સંભાવના છે.  આ સાથે જ હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે. 

અત્યારસુધી કચ્છમાં 5.00 ઈંચ સાથે 30.25 ટકા, ઉત્તર ગુજરાતમાં 7.95 ઈંચ સાથે 28.16 ટકા, મધ્ય ગુજરાતમાં 9.56 ઈંચ સાથે 30.8 ટકા, સૌરાષ્ટ્રમાં 8.77 ઈંચ સાથે 31.89 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 20.23 ઈંચ સાથે મોસમનો 32.58 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ગુજરાતમાં હજુ સુધી 10.77 ઈંચ સાથે મોસમનો સરેરાશ 32.58 ટકા વરસાદ નોંધાયો છે. 

રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદને કારણે કુલ 56 રસ્તા બંધ થઈ ગયાં છે.  જેમાં પંચાયત હસ્તકના 54, જામનગર જિલ્લામાં 1 સ્ટેટ હાઈવે બંધ છે. મઘ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જોઈએ તો દાહોદ,વડોદરા,રાજકોટ,જામનગર,જૂનાગઢમાં 1-1 રસ્તો બંધ છે.જ્યારે વલસાડ જિલ્લામાં 30 રસ્તા ભારે વરસાદને કારણે બંધ થઈ ગયાં છે. ડાંગમાં 9,તાપીમાં 5,સુરતમાં 4 રસ્તા બંધ છે. 

છેલ્લા બે દિવસથી વરસાદ થવાથી રાજ્યનાં જળાશયોમાં નવા નીરની આવક થઈ છે, જેમાં ઉકાઈ, દમણગંગા, વાત્રક, ગુહાઈ, માઝમ, મેશ્વો, હાથમતિ જેવાં જળાશયોમાં નવાં નીર આવ્યાં છે. ઉકાઈ ડેમમાં 0.95 ક્યુસેક પાણીની આવક થઈ છે. દમણગંગામાં 0.29 લાખ ક્યુસેક, મચ્છુમાં 0.044 લાખ, કડાણામાં 0.69 લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે, જ્યારે ઉકાઈમાં 52.29 ટકા પાણીનો જથ્થો છે અને 0.83 ટકા પાણીની આવક નોંધાઈ છે.

 

Gujarat Rains gujarati mid-day gujarat