રાજકોટમાં બીજેપી જીતે તો પણ નો સેલિબ્રેશન

23 May, 2019 08:04 AM IST  |  રાજકોટ | રશ્મિન શાહ

રાજકોટમાં બીજેપી જીતે તો પણ નો સેલિબ્રેશન

ડી.કે.સખીયા

જો આજે રાજકોટની લોકસભા બેઠક પર બીજેપી જીતે, કોઈ અનોખો રેકૉર્ડ પણ બનાવે કે પછી દેશ આખાની આંખો ચાર થઈ જાય એવું બીજેપી રિઝલ્ટ લાવે તો પણ ભૂતપૂર્વ સંસદસભ્ય અને બીજેપીના રાજકોટના કૅન્ડિટેટ મોહનભાઈ કુંડારિયાએ નક્કી કર્યું છે કે જીતની જાહેરાત પછી તે કોઈ પ્રકારનું વિજય સરઘસ કે રૅલી નહીં કાઢે અને આ જીતને કે પછી દેશ આખામાં આવેલી બીજેપીની જીતને સાદગીથી ઊજવશે. બન્યું એવું છે કે મોહનભાઈ કુંડારિયા સામે ઉમેદવારી નોંધાવનારા કૉન્ગ્રેસના કૅન્ડિડેટ લલિત કગથરાના પાંત્રીસ વર્ષીય દીકરા વિશાલનું ગયા અઠવાડિયે ઍક્સિડન્ટમાં અવસાન થતાં મોહનભાઈએ માનવતાની દૃષ્ટિએ આ નિર્ણય લીધો છે. મોહનભાઈએ કહ્યું હતું, ‘માણસાઈ ભૂલવી ન જોઈએ, જ્યારે મારો હરીફ મિત્ર દુઃખમાં હોય ત્યારે મારે પણ તેના દુઃખમાં સહભાગી બનવું જોઈએ એવું મને સમજાય છે.’

મોહનભાઈએ વાત કરીને મોરબી, ટંકારા અને પડધરી તાલુકાના બીજેપીના કાર્યકરોને વિજય સરઘસ નહીં કાઢવા અને ફટાકડા નહીં ફોડવા માટે સમજાવી પણ લીધા છે અને ગઈ કાલે પણ આખો દિવસ તેમણે રાજકોટ જિલ્લાના અન્ય તાલુકાના સ્થાનિક કાર્યકરો સાથે આ બાબત માટે મીટિંગ કરી હતી.

આ પણ વાંચો : Exclusive Interview: બીજેપીની સીટ 282થી ઘટવાનું કોઈ કારણ જ નથી

આજે ચાર વિધાનસભા બેઠકોનું પણ પરિણામ જાહેર થશે

રાજ્યની ચાર બેઠકો પર વિધાનસભાની પેટાચૂંટણીનાં પણ આજે પરિણામ જાહેર થવાનાં છે. ઊંઝા, જામનગર ગ્રામ્ય, માણાવદર અને ધ્રાંગધ્રામાં વિધાનસભાની પેટાચૂંટણીનું પરિણામ આવતી કાલે જાહેર થશે. મતગણતરીને લઈ તંત્રની તમામ તૈયારી પૂર્ણ થઈ ચૂકી છે.

rajkot gujarat Lok Sabha Election 2019 Rashmin Shah