વારલી ચિત્રકળાથી એક કિલોમીટર લાંબા કપડા પર ‘રામાયણ’ના પ્રસંગોને અંકિત કરાશે

12 December, 2023 11:51 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

ડાંગ જિલ્લાની જુદી-જુદી સ્કૂલોના તેમ જ ફાઇન આર્ટ્‍સ સ્ટુડન્ટ્સ, ચિત્ર-શિક્ષકો, સ્થાનિક ચિત્રકારો સહિત પાંચ હજારથી વધુ લોકો ‘રામાયણ’ના જુદા-જુદા પ્રસંગોનું કરશે ચિત્રકામ : આ લાંબા ચિત્રને અયોધ્યામાં અર્પણ કરાશે

વારલી ચિત્રકળાથી પ્રભુ શ્રીરામ અયોધ્યા પાછા ફર્યા એ ચિત્ર.

અમદાવાદઃ અયોધ્યામાં પ્રભુ શ્રીરામના મંદિરનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે અને પ્રભુ શ્રીરામની મૂર્તિનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે ત્યારે એના આનંદમાં સુરતની એ. ડી. સોની ફાઉન્ડેશન દ્વારા દક્ષિણ ગુજરાતમાં શાળાના વિદ્યાર્થીઓ, ચિત્ર-શિક્ષકો તેમજ સ્થાનિક ચિત્રકારો સહિત પાંચ હજારથી વધુ લોકો સાથે મળીને એક કિલોમીટર લાંબા કાપડ પર વારલી ચિત્રકળાથી ‘રામાયણ’ના વિવિધ પ્રસંગોનું ચિત્રકામ કરીને એક અનોખો રેકૉર્ડ બનાવશે. સુરતની એ. ડી. સોની ફાઉન્ડેશનનાં ફાઉન્ડર દિશા જોષીએ ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘વિશ્વ હિન્દુ પરિષદના સહયોગથી અમારી સંસ્થા ધરમપુર તાલુકામાં આવેલા ભેસદરા ગામની સ્કૂલમાં આદિ ચિત્રકળા વારલીના માધ્યમથી ‘રામાયણ’ના ૧૮થી વધુ પ્રસંગોને એક કિલોમીટર લાંબા કાપડ પર કુદરતી રંગોથી અંકિત કરશે. ૭ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ સવારે સાડાઆઠ વાગ્યે ડાંગની જુદી-જુદી સ્કૂલોના વિદ્યાર્થીઓ તેમ જ ફાઇન આર્ટ્સના સ્ટુડન્ટસ, ચિત્ર-શિક્ષકો તેમ જ સ્થાનિક ચિત્રકારો સહિત પાંચ હજારથી વધુ લોકો વારલી ચિત્રકળાથી ‘રામાયણ’ના જુદા-જુદા પ્રસંગો જેમાં રામજન્મ પ્રસંગ, તાડકા વધ, સીતામાતા સાથે વનમાં જવાનો પ્રસંગ, અયોધ્યા પરત આવવાનો પ્રસંગ, અશ્વમેઘ યજ્ઞ સહિતના પ્રસંગોને એક કિલોમીટર લાંબા કાપડ પર દોરવામાં આવશે.’

તેમણે વધુમાં કહ્યું હતું કે ‘વારલી કળાથી આ ચિત્ર બનવા પાછળનો ઉદ્દેશ એ છે કે અયોધ્યામાં પ્રભુ શ્રીરામનું મંદિર બની રહ્યું છે એનો ઉત્સાહ છે. એટલે રામાયણના જુદા-જુદા પ્રસંગો કાપડ પર અંકિત કરીને ઉજવણી કરીશું. બાળકો આપણો ધર્મ જાણે, પ્રભુ શ્રીરામના જીવનથી માહિતગાર થાય, ‘રામાયણ’ વિશે જાણે એ ઉદ્દેશ છે. બીજુ એ કે સંભવિત રીતે આવું પ્રથમવાર બનશે અને રેકૉર્ડ થશે કે વારલી ચિત્રકળાથી ‘રામાયણ’ના જુદા-જુદા પ્રસંગોના એક કિલોમીટર લાંબા કપડા પર ચિત્ર દોરવામાં આવશે. દરેક પ્રસંગનું કેલિગ્રાફીથી નામ લખાશે. આ ચિત્ર બન્યા પછી એને અયોધ્યા મ્યુઝિયમમાં ભેટ કરાશે.’

national news columnists shailesh nayak ahmedabad ayodhya