પરષોત્તમ રૂપાલાની ટિકિટ ન કપાઈ તો આવનારા ઇલેક્શનમાં BJPનો બહિષ્કાર કરવાની ચીમકી

15 April, 2024 08:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજકોટના રતનપરમાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનમાં રાજપૂત સમાજનું શક્તિપ્રદર્શન

પરષોત્તમ રૂપાલા

ગુજરાતમાં સૌરાષ્ટ્રના વડા મથક રાજકોટના રતનપરમાં ગઈ કાલે રાજપૂત સમાજનું ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજ ઊમટ્યો હતો અને જો પરષોત્તમ રૂપાલાની ટિકિટ ન કપાઈ તો આવનારી ચૂંટણીમાં BJPનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારીને ક્ષત્રિયોએ શપથ લીધા હતા અને સાતમી તારીખે બટન દબાવીને વળતો જવાબ આપવા હાકલ કરવામાં આવી હતી. કેન્દ્રીય પ્રધાન અને રાજકોટ લોકસભા બેઠકના BJPના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજની બહેન-દીકરીઓ માટે કરેલી ટિપ્પણી સામે રાજપૂત સમાજનો રોષ શમવાનું નામ નથી લેતો. 

કરણી સેનાના અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાએ કહ્યું હતું કે બધા મા ભગવતીની કસમ ખાઈએ ને જ્યાં સુધી પરષોત્તમ રૂપાલાની ટિકિટ નથી કપાતી અમે BJPના કોઈ પ્રોગ્રામમાં નહીં જઈએ, તેમના કોઈ પ્રોગ્રામમાં સહયોગ નહીં કરીએ, કોઈ પણ ઉમેદવાર સાથે નહીં ફરીએ. અગર ટિકિટ ન કપાઈ તો આવનારી ચૂંટણીમાં BJPનો બહિષ્કાર કરીશું.’   

ગુજરાત રાજપૂત સમાજનાં મહિલા પ્રમુખ તૃપ્તિબા રાઓલે કહ્યું હતું કે ‘પાર્ટીમાં વિખવાદ હોય તો બે સીટ પરથી ઉમેદવાર બદલવામાં આવે, પાર્ટીમાં વિખવાદ હોય તો રાતોરાત પ્રધાનમંડળ બદલવામાં આવે તો પરષોત્તમ રૂપાલા જ્યારે દીકરીઓ પર નિમ્નકક્ષાની ટિપ્પણી કરી જાય તો તેમને કેમ બદલવામાં ન આવે?

gujarat news rajkot Parshottam Rupala Lok Sabha Election 2024