ક્ષત્રિય સમાજે આંદોલનમાં પાછીપાની નથી કરી એ BJP માટે ચિંતાનો વિષય બન્યો

07 May, 2024 07:56 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ગુજરાત રાજપૂત સમાજ સંકલન સમિતિએ BJPના ક્ષત્રિય આગેવાનોની અપીલ ફગાવીને દાવો કર્યો કે ગુજરાતમાં પાર્ટી ૧૦ બેઠક ગુમાવી રહી છે

ગુજરાતના અખબારમાં આવેલી અપીલની જાહેરાત.

રવિવારે BJPના ક્ષત્રિય આગેવાનોએ ક્ષત્રિય સમાજને BJPને સમર્થન આપવા કરેલી અપીલ ગુજરાત રાજપૂત સમાજ સંકલન સમિતિએ ફગાવી દીધી હતી અને સમાજને BJPની વિરુદ્ધમાં મતદાન કરવા આહવાન કર્યું હતું એટલું જ નહીં, BJP ગુજરાતમાં ૧૦ બેઠક ગુમાવશે એવો દાવો પણ કર્યો હતો. ગુજરાતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સભાઓ યોજી એ પછી પણ ક્ષત્રિય સમાજે સભાઓ કરી છે ત્યારે ‘નારીના સન્માન અને અસ્મિતા માટે મત એ જ શસ્ત્ર’ના સૂત્ર સાથે ક્ષત્રિય સમાજે બૉયકૉટ BJPના આંદોલનમાં પાછીપાની નથી કરી એ બાબત BJP માટે ચિંતાનો વિષય બન્યો છે. 
ગુજરાત રાજપૂત સમાજ સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ રવિવારે પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ‘BJP સાથે જોડાયેલા ક્ષત્રિય સમાજના આગેવાનો, BJPના આગેવાનો અને સરકાર તરફથી વિનંતી કરવામાં આવી હતી કે જ્યારે વડા પ્રધાન ગુજરાત આવે ત્યારે તેમની સભાઓમાં વિરોધ ન કરવો. આ વિનંતીના પ્રત્યુત્તરમાં વડા પ્રધાનની સભાઓમાં ક્ષત્રિય સમાજે વિરોધ ન કર્યો. BJPના ક્ષત્રિય આગેવાનોને કહેવા માગું છું કે આ માટે સમાજનો આભાર માનતું નિવેદન કર્યું હોય તો લાગે કે ગરિમા જાળવી, ઋણ સ્વીકાર્યું; પણ આપે એવું કર્યું નથી. સરકારે અમારી અસ્મિતાના મુદ્દે પ્રત્યુત્તર આપ્યો નથી.’

ગુજરાતમાં BJP ૧૦ ઉપરાંત બેઠક ગુમાવી રહી છે એ હું સભા-સંમેલનો થયાં એમાં જે પ્રતિસાદ મળ્યો એના પ્રતિભાવરૂપે કહી રહ્યો છું એમ જણાવતાં કરણસિંહ ચાવડાએ કહ્યું હતું કે ‘ક્ષત્રિય સમાજને કહેવા માગું છું કે ફેક ન્યુઝ ફરશે તો કોઈ બાબત ધ્યાનમાં લેવાની નથી. આપણે નક્કી કર્યું છે કે એક બાજુ અહંકાર અને એક બાજુ અસ્મિતાની લડાઈ ચાલી રહી છે એટલે BJP વિરુદ્ધ ઊંચામાં ઊંચું પૂરેપૂરું મતદાન કરીશું.’  

બીજી તરફ ગઈ કાલે ગુજરાતના ક્ષત્રિય સમાજના કેટલાક નાગરિકોએ ગુજરાતનાં કેટલાંક અખબારોમાં જાહેરાત આપીને ક્ષમા વીરસ્ય ભૂષણમ‍્ના શીર્ષક સાથે હિન્દુ એકતાને અખંડિત રાખવા ક્ષત્રિય સમાજના અગ્રણીઓને અપીલ કરી હતી. આ અપીલમાં કહેવામાં આવ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદી, આપણા દેશ અને હિન્દુ સનાતન ધર્મના સમર્થનમાં એક થઈએ, આપણે સમગ્ર વિશ્વને સનાતની હિન્દુ અસ્મિતાનો પરિચય કરાવીએ. 

gujarat news gujarat ahmedabad Lok Sabha Election 2024 Parshottam Rupala