સલામ : રાજકોટ પોલીસ રોજ ૧૫,૦૦૦ જેટલા જરૂરિયાતમંદોને ભોજન આપશે

30 March, 2020 10:46 AM IST  |  Mumbai Desk | GNS

સલામ : રાજકોટ પોલીસ રોજ ૧૫,૦૦૦ જેટલા જરૂરિયાતમંદોને ભોજન આપશે

પ્રતીકાત્મક તસવીર

તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો હતો જેના ભાગરૂપે રાજકોટ શહેર પોલીસ-કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા એની અમલવારી અર્થે કોઈ પણ મજૂર વર્ગને રાજકોટ શહેરની બહાર જવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. બે દિવસ પહેલાં કેટલાંક દૃશ્યો સામે આવ્યાં હતાં કે જેમાં પરપ્રાંતીય મજૂરો કામ ન હોવાના કારણે પોતાના વતન પાછા ફરી રહ્યા હતા. પરંતુ રાજકોટ પોલીસે તેમને અહીં જ રહેવા સમજાવ્યા છે અને તેમની જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. રાજકોટ પોલીસ દ્વારા પોલીસ હેડક્વૉર્ટરમાં જરૂરિયાતમંદો માટે રોજ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ રોજ ૧૫,૦૦૦ લોકોને ભોજન આપશે.

તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા એક નિર્ણય કરવામાં આવ્યો હતો જે નિર્ણય અંતર્ગત પ્રાંતીય મજૂરોને પોતાના વતન ન ફરવા માટે આદેશ કરવામાં આવ્યો હતો જે આ દેશના અનુસાર રાજકોટ પોલીસ-કમિશનર મનોજ અગ્રવાલ રાજકોટ પોલીસની હદમાં કામ કરતા તમામ મજૂરોને પોતાની હાલની જગ્યા ન છોડવા હુકમ કર્યો હતો. તેમ છતાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય મજૂરોએ પોતાના પરિવાર સાથે ચાલીને પોતાના વતન તરફ દોડ લગાવી હતી.

જોકે પોલીસે સમયસર તેમને સમજાવી તેમની રહેવાની અને જમવાની સગવડ કરી આપી છે. ત્યારે રાજકોટ શહેર પોલીસ અને સામાજિક સંસ્થાના સહયોગ દ્વારા પોલીસ હેડક્વૉર્ટર ખાતે રોજનું ૧૫,૦૦૦ વ્યક્તિઓનું જમવાનું બની શકે એ માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

gujarat rajkot coronavirus covid19