રાજકોટ પોલીસની ટ્રાફિક ડ્રાઈવઃ વિદ્યાર્થીઓને ફટકારવામાં આવ્યા મેમો

20 February, 2019 07:54 PM IST  |  રાજકોટ | દીર્ઘ મીડિયા ન્યૂઝ એજન્સી

રાજકોટ પોલીસની ટ્રાફિક ડ્રાઈવઃ વિદ્યાર્થીઓને ફટકારવામાં આવ્યા મેમો

રાજકોટ પોલીસની ટ્રાફિક ડ્રાઈવ

શાળા અને કોલેજે જતા વિદ્યાર્થીઓમાં ટ્રાફિકના નિયમોને લઈને જાગૃતિ લાવવા માટે આજે ટ્રાફિસ પોલીસે ઓચિંતુ ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં શાળાએ જતા વિદ્યાર્થીઓ વગર લાઈસન્સે વાહન ચલાવતા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ તમામ વિદ્યાર્થીઓને મેમો ફટકાર્યો છે.


રાજકોટ શહેરમાં બની રહેલા જીવલેણ અકસ્માતોને રોકવા પોલીસ એક્શનમાં આવી છે. રાજકોટ શહેરની 10 જેટલી કોલેજો અને સ્કૂલોની બહાર પોલીસે ટ્રાફિક ઝુંબેશ હાથ ધરી હતી. 18 વર્ષથી ઓછી ઉંમરનાં વિદ્યાર્થીઓ સ્કુલ અને કોલેજે લાઇસન્સ વગર વાહન ચલાવી આવતા હોવાનું ધ્યાને આવતા પોલીસે આજે ચેકિંગ કર્યું. રાજકોટની નામાંકિત મોદી, ધોળકીયા, સર્વોદય સહિતની 10 જેટલી ખાનગી સ્કૂલોની બહાર પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. લાઇસન્સ વગર વાહન ચલાવતા વિદ્યાર્થીઓના વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓને આર.ટી.ઓનાં મેમો ફટકારવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ મેમો બતાવો અને હેલ્મેટ પર મેળવો ડિસ્કાઉન્ટઃ અમદાવાદ ટ્રાફિક પોલીસનું અનોખું અભિયાન

વિદ્યાર્થીઓનાં વાલીઓને પોલીસે ફોનથી જાણ કરી હતી અને આર.ટી.ઓમાં મેમો ભરીને વાહન છોડાવી જવા સુચન કર્યું હતું. મહત્વનું છે કે, સ્કુલ અને કોલેજે જતાં વિદ્યાર્થીઓ પાસે લાઇસન્સ નથી હોતા અને ઓવર સ્પીડમાં વાહનો ચલાવતા હોવાથી જીવલેણ અકસ્માતને અંજામ આપતા હોય છે. ત્યારે આ ઝુંબેશ માત્ર એક દિવસની ન બની રહે અને પોલીસ આ કાર્યવાહી સતત કરતી રહે તો જીવલેણ અકસ્માતો અટકી શકે છે.

rajkot gujarat