સિંહણને લાગ્યું મારણ છે, પાંચ વર્ષનાં બાળકને ફાડી ખાધો

05 February, 2020 06:51 PM IST  |  Rajkot | Mumbai Desk

સિંહણને લાગ્યું મારણ છે, પાંચ વર્ષનાં બાળકને ફાડી ખાધો

પ્રતિકાત્મક તસવીર

ગુજરાતના અમરેલી જિલ્લાનાં ઉચ્ચૈયા ફાર્મમાં એક પાંચ વર્ષનાં છોકરાને સિંહણે મારી નાખ્યો. બાળક સિંહણના બચ્ચા સાથે રમી રહ્યો હતો જ્યારે આ ઘટના ઘટી. જંગલ ખાતાના અધિકારીઓ અનુસાર સિંહણે બાળકને ડોકેથી પકડ્યો હતો અને ત્રણ કિલો મિટર સુધી તે દોડી હતી જ્યારે કિશોર દેવીપુજકના માતા-પિતા તેની પાછળ દોડ્યા હતા.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાનાં એક રિપોર્ટ અનુસાર આ ઘટના મંગળવારે સવારે બની હતી. વહેલી સવારે ચારથી પાંચ વાગ્યાની વચ્ચે તેના માતા પિતા સાથે ખુલ્લી ઝૂંપડીમાં રહેતો આ બાળક ઘુરકિયાનાં અવાજ સાંભળીને જાગ્યો હતો.  તેણે ઘરની બહાર જઇને જોયું કે સિંહના બચ્ચા હતા અને તે ત્યાં જઇને તેમને રમાડવા માંડ્યો. તેને ખબર નહોતી કે સિંહણ ત્યાં નજીકમાં જ હતી. સિંહણે તેની પર ઝપટ મારી અને તેની પર હિંસક હુમલો કર્યો. 

સિંહણે બાળકને તેની ડોકથી ઝાલ્યો અને તેને લઇને તે સ્થળથી ત્રણ કિલો મિટર સુધી દોડી હતી. ઘાસ વાળા પ્રદેશમાં પહોંચ્યા પછી સિંહણે તેનું માથું ફાડી ખાધું અને તેના પગના હિસ્સા પણ આરોગ્યા. સિંહણની પાછળ છોકરાના માતા-પિતા પણ દોડ્યા જે ખેત મજૂરો તરીકે કામ કરે છે. તેમની ઝૂંપડી રેલ્વે ટ્રેકની નજીક છે જે રાજુલાથી 12 કિલો મિટર આવેલા પીપાવાવ પોર્ટ પાસે છે. જંગલ ખાતાના અધિકારીઓ અનુસાર સિંહણે છોકરાને પોતાનો શિકાર સમજી લીધો કારણકે ભૂતકાળમાં તેણે આ જ સ્થળે એક બકરું પણ માર્યું હતું.  ફોરેસ્ટ શેત્રુંજય ડિવિઝનના ડેપ્યુટી કન્ઝર્વેટર સંદીપ કુમારને ટાંકતા અખબારમાં લખવામાં આવ્યું છે કે આ સિંહણ આ સ્થળે રહેતા લોકોથી પરિચિત હતી કારણકે તે આ વિસ્તારમાં અવારનવાર આવતી. તેણે એમ પણ કહ્યું કે જંગલ ખાતાએ સિંહણને નજીકમાં જ જોઇ છે અને તેને પકડવા માટે ફાસલો ગોઠવ્યો છે. 

gujarat rajkot gujarat lions