03 July, 2024 02:46 PM IST | Rajkot | Gujarati Mid-day Correspondent
મનસુખ સાગઠિયા
સૌરાષ્ટ્રના વડામથક રાજકોટમાં થોડા સમય પહેલાં સર્જાયેલા અગ્નિકાંડના આરોપી અને રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશનના ટાઉન-પ્લાનિંગ ઑફિસર એમ. ડી. સાગઠિયાની ઑફિસમાંથી ૩ કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા છે એટલું જ નહીં, રોકડ ઉપરાંત સોના-ચાંદીના દાગીના સહિત ૧૮ કરોડ રૂપિયાથી વધુની અપ્રમાણસર મિલકત ઍન્ટિ-કરપ્શન બ્યુરો (ACB)ને મળી આવી છે.
ACBએ ટાઉન પ્લાનિંગ-ઑફિસર મનસુખ સાગઠિયા સામે અપ્રમાણસર મિલકતનો ગુનો રાજકોટ શહેર ACB પોલીસ-સ્ટેશનમાં નોંધ્યો હતો. ACBએ રાજકોટ જેલમાંથી એમ. ડી. સાગઠિયાનો કબજો મેળવીને તેમના ભાઈની માલિકીની અને તેમના કબજામાં રહેલી ઑફિસને સીલ કરીને ACBના સ્ટાફે તપાસ હાથ ધરતાં ૧૫ કરોડ રૂપિયાના ૨૨ કિલોગ્રામના સોનાના દાગીના અને બિસ્કિટ તેમ જ બે લાખ રૂપિયાની કિંમતના અઢી કિલોગ્રામ ચાંદીના દાગીના, ૮ લાખ ૫૦ હજાર રૂપિયાની કિંમતની ડાયમન્ડ જ્વેલરી અને ૩,૦૫,૩૩,૫૦૦ રૂપિયાની ચલણી નોટ મળી આવી હતી. આ ઉપરાંત એક લાખ ૮૨ હજાર રૂપિયાની ભારતીય કિંમતની જુદા-જુદા દેશોની ચલણી નોટો, સોનાના પટ્ટાવાળી બે ઘડિયાળ તેમ જ ૬ બીજી ઘડિયાળો મળી આવી હતી. ACBએ આ બધો મુદ્દામાલ કબજે લઈને કાર્યવાહી હાથ ધરી છે.