ગુજરાત-કચ્છને અસર કરતું વાવાઝોડું તૈયાર થઈ રહ્યું છે

12 May, 2021 01:36 PM IST  |  Mumbai/Rajkot | Gujarati Mid-day Correspondent

રવિવાર સુધીમાં આ વાવાઝોડું અરબી સમુદ્રમાં સર્જાવાની આગાહી કરવામાં આવી છે

પ્રતીકાત્મક તસવીર

આગામી ૧૬ મે (રવિવાર)ની આસપાસ વર્ષ ૨૦૨૧નું પહેલું વાવાઝોડું અરબી સમુદ્ર પર ત્રાટકવાની સંભાવના છે. ૧૪ મેએ અરબી સમુદ્રમાં દક્ષિણ-પૂર્વના ભાગના હિસ્સામાં નીચા દબાણને પગલે તોફાનની તીવ્રતા વધવા માંડશે અને પછી ૧૬ મે આસપાસના સમયમાં સમુદ્રના પૂર્વ-મધ્ય ભાગમાં ધીમે-ધીમે વાવાઝોડામાં પરિવર્તિત થશે. ત્યાર બાદ એ વાવાઝોડું ઉત્તર-પૂર્વ દિશા તરફ જશે એવી આગાહી ઇન્ડિયા મીટિયોરોલૉજિકલ ડિપાર્ટમેન્ટ (આઇએમડી)એ કરી છે.

આ વાવાઝોડાંને મ્યાનમારની ભાષામાં ટૌકટેઇ શબ્દ પરથી નામ મળ્યું છે. આ શબ્દનો ગરોળી એવો અર્થ થાય છે.

આઇએમડીના સાયક્લોન વિભાગનાં ઇન-ચાર્જ સુનિતા દેવીએ જણાવ્યું હતું કે આ વાવાઝોડાંના સંદર્ભમાં કેટલીક સંભાવનાઓ છે. એક શક્યતા એવી છે કે આ વાવાઝોડું ઓમાનના દરિયાકાંઠાને પાર કરશે. કેટલાક સંકેતો પરથી લાગે છે કે એ દક્ષિણ પાકિસ્તાન તરફ જશે અને એટલે ગુજરાતના કેટલાક ભાગોને પણ અસર થઈ શકે. એવું લાગે છે કે ૨૦ મેએ કદાચ ઉત્તર ગુજરાતમાં અથવા કચ્છમાં વાવાઝોડું પસાર થશે.

તેમણે એવું પણ કહ્યું હતું કે ૧૪ મે સુધીમાં માછીમારોએ દરિયામાંથી પશ્ચિમી કાંઠા પર પાછા આવી જવું પડશે, કારણકે એ પછી દરિયો તોફાની થવાની પાકી સંભાવના છે. 

આ સમયગાળા દરમ્યાન હવામાનમાં નીચા દબાણને લીધે લક્ષદ્વીપ, કેરલા, કર્ણાટકના દરિયાકાંઠાના ભાગ, તામિલનાડુના ઘાટ વિસ્તારો તેમ જ મહારાષ્ટ્રના અમુક ભાગમાં ભારે વરસાદ પડવાની તેમ જ હવામાનમાં ઉગ્રતા રહેવાની પાકી શક્યતા છે.

gujarat kutch rajkot