આ ફેક છે: મુસ્લિમો પાસેથી માલ ખરીદવો નહીં એવો વિડિયો વાયરલ

04 February, 2020 07:44 AM IST  |  Rajkot | Rashmin Shah

આ ફેક છે: મુસ્લિમો પાસેથી માલ ખરીદવો નહીં એવો વિડિયો વાયરલ

સોશ્યલ મીડિયા પર ભાવનગર જિલ્લાના તળાજાનો એક વિડિયો જબરદસ્ત વાઇરલ થયો છે

સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી રહેલો આ વિડિયો હકીકતમાં દોઢેક વર્ષ જૂનો છે, પણ એ ચલણમાં અત્યારે આવ્યો, જેની સામે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળનો પણ વિરોધ છે.

કૉમન અમેન્ડન્ટ ઍક્ટ અને નૅશનલ રજિસ્ટર ઑફ સિટિઝનને લાગુ કરવા માટે અત્યારે ચાલી રહેલા વિવાદ વચ્ચે બે દિવસથી સોશ્યલ મીડિયા પર ભાવનગર જિલ્લાના તળાજાનો એક વિડિયો જબરદસ્ત વાઇરલ થયો છે.

તળાજાના માર્કેટિંગ યાર્ડમાં બધા વેપારીઓ સાથે ઊભા રહીને શપથ લઈ રહ્યા છે કે હવે પછી મુસ્લિમ પાસેથી ખરીદદારી નથી કરવાની. આ શપથ લીધા પછી છેલ્લે એમાં ‘જયશ્રી રામ’ના નારા પણ લગાવવામાં આવે છે. આ વિડિયો વાઇરલ કરીને સૌકોઈને એવું આહ્‍વાન કરવામાં આવી રહ્યું છે કે તળાજાએ જે કર્યું એ જ શપથ તમે પણ તમારા વિસ્તારમાં લો અને મુસ્લિમોને આર્થિક સહકાર આપવાનું બંધ કરો.

‘મિડ-ડે’એ આ વિડિયોની ખરાઈ કરવાનું કામ હાથમાં લીધું ત્યારે ખબર પડી કે આ વિડિયો બનાવટી છે અને આવી કોઈ શપથવિધિ તળાજા માર્કેટિંગ યાર્ડમાં થઈ નથી, ઊલટું માર્કેટિંગ યાર્ડના સભ્યો માટે તો આ વિડિયો પણ સાવ નવો હતો.

માર્કેટિંગ યાર્ડના સભ્ય વલ્લભભાઈ દુધાત્રાએ કહ્યું હતું કે આવું કશું બન્યું નથી કે આ પ્રકારની કોઈ જાહેરાત પણ યાર્ડમાં થઈ નથી.

હકીકત એ છે કે હમણાં વાઇરલ થયેલો આ વિડિયો દોઢેક વર્ષ જૂનો છે. વિશ્વ હિન્દુ પરિષદના ભાવનગર જિલ્લાના પદાધિકારી કિરીટભાઈ મિસ્ત્રીએ કહ્યું હતું કે ‘એ સમયે તળાજા અને આજુબાજુનાં ગામના મુસ્લિમ યુવકો હ‌િન્દુ યુવતી લઈને ભાગી ગયા હોવાની ચારેક ઘટના બની હતી, જેમાં એ મુસ્લિમ યુવકના પરિવારજનો કોઈ માહિતી આપતા નહોતા એટલે ગામના લોકોએ રોષે ભરાઈને આ શપથ લીધા હતા. એ સમયે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ વચ્ચે પડીને નિર્દોષ લોકોને દોષ આપવાની આ નીતિનો વિરોધ કર્યો હતો અને બધા વેપારીઓ વચ્ચે સંપ કરાવ્યો હતો.’

બજરંગ દળના આગેવાન શૈલેશ પટેલે કહ્યું હતું કે ‘જો આવું કરવું હોય તો અમે જાહેરમાં આવીને ખભે ખેસ સાથે કાર્યક્રમ કરીએ. વેપારીના સ્વાંગમાં કે એની આડમાં બજરંગ દળ આવું કામ કરે નહીં. જરૂર પડશે તો અમે કરીશું આ કામ, પણ ગુજરાતમાં સીએએ અને એનઆરસીનો એવો કોઈ વિરોધ થતો નથી એટલે આવું ગુજરાતમાં બને એવું અમે માનતા પણ નથી.’

આ ફેક વિડિયો સાથે અત્યારે ગુજરાત અને મહારાષ્ટ્રના ગુજરાતીઓમાં ઉશ્કેરાટ ફેલાવવાનું કામ થઈ રહ્યું છે. હિન્દુત્વવાદી વૉટ્સઍપ-ગ્રુપમાં કે સોશ્યલ મીડિયામાં વાઇરલ કરીને આ વિડિયો સાથે ભાઈચારાનું હનન થાય એવી ટિપ્પણી કરવામાં આવે છે, જે ગેરવાજબી છે. શાંતિ અને ભાઈચારાની ભાવનાને ધ્યાનમાં રાખીને પણ આ વિડિયો ફરતો અટકાવવો જોઈએ.

bhavnagar gujarat rajkot Rashmin Shah