ગુજરાતમાં ચોમાસું બેસી ગયું હોય એવો માહોલ જોવા મળ્યો

12 June, 2022 08:34 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ગાજવીજ અને પવન સાથે વરસાદ

દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં ગઈ કાલે વરસાદ પડ્યો હતો

ગુજરાતમાં જાણે કે ચોમાસું બેસી ગયું હોય એવો માહોલ ગઈ કાલે જોવા મળ્યો હતો. ગઈ કાલે ગીર ગઢડા તાલુકામાં બે ઇંચથી વધુ અને સુબીર તાલુકામાં બે ઇંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ગાજવીજ અને પવન સાથે વરસાદ પડ્યો હતો. ગુજરાતમાં વરસાદી માહોલ બંધાયો છે ત્યારે નૈઋત્યના ચોમાસાની દસ્તક ગુજરાત પર થઈ રહી છે અને આગામી ૪૮ કલાકમાં ચોમાસાની અસર જોવા મળી શકે છે અને આવનારા ચાર દિવસ દરમ્યાન ગુજરાતના કેટલાક વિસ્તારમાં પવન સાથે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ગઈ કાલે સાંજે ૬ વાગ્યા સુધીમાં ગુજરાતના ૧૭ તાલુકામાં હળવાથી ભારે વરસાદ પડ્યો હતો. ગીર ગઢડામાં ૫૪ મિલીમીટર એટલે કે બે ઇંચથી વધુ, ડાંગના સુબીર તાલુકામાં ૪૮ મિલીમીટર એટલે કે બે ઇંચ જેટલો, તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં ૩૫ મિલીમીટર અને અમરેલીના સાવરકુંડલા તાલુકામાં ૩૧ મિલીમીટર એટલે કે સવા ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં ૨૨ મિલીમીટર, જૂનાગઢ શહેર અને તાલુકામાં ૨૧ મિલીમીટર અને વિસાવદરમાં ૨૦ મિલીમીટર એટલે કે પોણા ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત રાજકોટ, ધારી, માળિયા હાટીના, જેતપુર, ધોરાજી, લોધીકા, જસદણ, ભેંસાણ, વેરાવળ, કપરાડા, નસવાડી, ક્વાંટ, જલાલપોર, નર્મદા, વાંસદા, કલોલ, બહુચરાજી સહિતના વિસ્તારોમાં ક્યાંક ગાજવીજ સાથે તો ક્યાંક પવનના ઝપાટા સાથે વરસાદ પડ્યો હતો.

હવામાન વિભાગની આગાહી મુજબ આજથી ચાર દિવસ દરમ્યાન દક્ષિણ ગુજરાત, દમણ અને દાદરા નગર હવેલીમાં થોડાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. 

gujarat gujarat news Weather Update Gujarat Rains shailesh nayak