માનહાનિના કેસમાં અમદાવાદમાં કોર્ટમાં હાજર થયા રાહુલ ગાંધી

12 July, 2019 03:41 PM IST  |  અમદાવાદ

માનહાનિના કેસમાં અમદાવાદમાં કોર્ટમાં હાજર થયા રાહુલ ગાંધી

તસવીર સૌજન્યઃ ANI

રાહુલ ગાંધી અમદાવાદ સેશન્સ કોર્ટ પહોંચ્યા છે. જ્યાં માનહાનિના કેસમાં તેમને હાજરી આપવાની હતી.કોર્ટ પરિસરમાં પણ રાહુલ ગાંધીના સમર્થકો મોટી સંખ્યામાં હાજર હતા. કોર્ટમાં રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ નિર્દોષ છે.

રાહુલ ગાંધીનું અમદાવાદ એરપોર્ટ પર જોરદાર સ્વાગત કરવામાં આવ્યું. આજે તેમને કોર્ટમાં હાજર રહેવાનું છે. રાહુલ ગાંધીએ નોટબંધી દરમિયાન એડીસી બેંકમાં ભારે માત્રામાં રોકડ રકમ જમા હોવાનું નિવેદન આપ્યું હતું, જેની સામે બેંકે તેની સામે કેસ દાખલ કર્યો છે. એડીસી બેંક તરફથી દાખલ કરવામાં આવેલા કેસ મામલે કોર્ટે તેમને આજે હાજર રહેવાનો આદેશ આપ્યો હતો.

કૉન્ગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ અમદાવાદ જિલ્લા સહકારી બૅન્કના ચૅરમૅન અજય પટેલે માનહાનિની ફરિયાદ કરી હતી. આપને જણાવી દઈએ કે નોટબંધી દરમિયાન રાહુલ ગાંધી અને રણદીપ સુરજેવાલાએ એડીસી બૅન્ક પર ૭૪૫ કરોડ રૂપિયાના બ્લૅક મનીને વાઇટ કરવાનો આરોપ લગાવ્યો હતો, જેને લઈને ગયા વર્ષે અરજીકર્તાઓએ માનહાનિનો કેસ કર્યો હતો.

માનહાનિના કેસના મામલે કોર્ટે એપ્રિલમાં સુનાવણી કરી હતી અને ત્યારે કોર્ટે રાહુલ ગાંધીને ૨૭ મેએ રજૂ થવાના આદેશ આપ્યા હતા, પરંતુ રાહુલ ગાંધીના વકીલ પંકજ ચાંપાનેરીએ અપીલ કરતાં કોર્ટને કહ્યું કે રાહુલ ગાંધી ૨૭ મેના દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુને શ્રદ્ધાંજલિ આપવા માટે શાંતિવન જશે. એટલા માટે તેમણે કોર્ટને વધારે સમય આપવા રજૂઆત કરી હતી, જેને કોર્ટે સ્વીકારતાં રાહુલ અને સુરજેવાલાને ૧૨ જુલાઈએ કોર્ટ સામે રજૂ થવા માટે આદેશ આપ્યા હતા.

આ પણ વાંચોઃ તમને યાદ છે ઢોલીવુડની આ હિટ જોડીઓ? જેમણે લોકોના દિલ પર કર્યું છે રાજ

મહત્વનું છે કે માનહાનિના બે અન્ય કેસમાં રાહુલને 16 જુલાઈ અને 9 ઑગસ્ટે સુરત અને અમદાવાદમાં હાજરી આપવાની છે. લોકસભા ચૂંટણી બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના અદાલતના ચક્કરમાં વધારો થયો છે. મુંબઈ અને પટના બાદ હવે તેમનો ગુજરાતમાં વારો છે.