25 September, 2025 10:53 AM IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગુજરાતના પાટનગર ગાંધીનગર પાસે આવેલા અંબાપુરા ગામ નજીકથી પસાર થતી નર્મદા કનૅલ પાસે ૨૦ સપ્ટેમ્બરે બનેલી લૂંટ અને મર્ડરની ઘટનાના આરોપી વિપુલ ઉર્ફે નીલ પરમારને સાથે રાખીને ગઈ કાલે ગાંધીનગર પોલીસ ઘટનાસ્થળે રીકન્સ્ટ્રક્શન કરવા ગઈ ત્યારે સાયકો કિલર આરોપીએ પોલીસની રિવૉલ્વર ઝૂંટવીને પોલીસ પર તેમ જ પોલીસના વ્હીકલ પર ફાયરિંગ કરીને ભાગી જવાનો પ્રયાસ કરતાં સ્વબચાવમાં પોલીસે પણ ફાયરિંગ કયું હતું અને આરોપી ઘટનાસ્થળે ઢળી પડ્યો હતો.
ગાંધીનગરના રેન્જ ઇન્સ્પેક્ટર જનરલ (IG) વીરેન્દ્ર સિંહ યાદવે મીડિયાને માહિતી આપતાં કહ્યું હતું કે ‘અંબાપુર પાસે કનૅલ પર ૨૦ સપ્ટેમ્બરે રાતે આરોપી વિપુલ પરમારે વૈભવ મનવાણીને લૂંટીને મારી નાખ્યો હતો અને વૈભવની મિત્ર પર પણ હુમલો કર્યો હતો. આરોપી વિપુલ પરમારને પોલીસે પકડી લીધા બાદ ગાંધીનગર પોલીસે લોકલ ક્રાઇમ બ્રાન્ચને આ કેસની તપાસ સોંપી હતી. પંચોને સાથે લઈને ગુનાની જગ્યાએ પોલીસ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવા ગઈ ત્યારે પંચનામું કરે એ પહેલાં જ આરોપીએ પોલીસની રિવૉલ્વર ઝૂંટવીને પોલીસ પર અને પોલીસના વ્હીકલ પર ફાયરિંગ કર્યું હતું અને નાસવા ગયો હતો. તેણે કરેલા ફાયરિંગમાં એક પોલીસ-કર્મચારી રાજેન્દ્ર સિંહને ડાબા હાથ પર ગોળી વાગતાં ઈજા થઈ હતી. જવાબી કાર્યવાહીમાં પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરતાં આરોપીનું મૃત્યુ થયું હતું. આ આરોપી ગુનાહિત પ્રવૃત્તિવાળો હતો. આ પહેલાં પણ તે મર્ડર કેસમાં પકડાયો હતો તેમ જ તેની સામે દસથી વધુ ગુના નોંધાયા છે.’
ભગવાને ઇન્સાફ કર્યો, અમારા દીકરાને ન્યાય મળ્યો
નર્મદા કનૅલ પર આરોપીએ જેના પર હુમલો કરીને મારી નાખ્યો હતો તે પચીસ વર્ષના વૈભવ મનવાણીના કાકા અને કાકીને પોલીસ-ફાયરિંગમાં આરોપીનું મોત થયાની જાણ થતાં તેઓ ઘટનાસ્થળે આવ્યાં હતાં. વૈભવના કાકા દીપકભાઈએ મીડિયાને કહ્યું હતું કે ‘ભગવાને ઇન્સાફ કર્યો છે. હુમલાને કારણે અમે તૂટી ગયા હતા પણ અમને ન્યાય મળી ગયો છે. અમારા દીકરાને ન્યાય મળ્યો છે. પોલીસે સારું કામ કર્યું છે. અમે પોલીસને ધન્યવાદ આપીએ છીએ.’