વડા પ્રધાન મોદીએ રાજકોટમાં નિર્માણ પામનાર એઇમ્સની આધારશિલા રાખી

01 January, 2021 10:55 AM IST  |  Gandhinagar | Agency

વડા પ્રધાન મોદીએ રાજકોટમાં નિર્માણ પામનાર એઇમ્સની આધારશિલા રાખી

નરેન્દ્ર મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટમાં નિર્માણ પામનારી એઇમ્સ હૉસ્પિટલનું વર્ચ્યુઅલ ખાતમુરત કર્યું છે. ખંઢેરી પાસે ૧૧૯૫ કરોડના ખર્ચે વિશાળ હૉસ્પિટલ નિર્માણ પામવાની છે. રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રુપાણીએ જણાવ્યું છે કે વર્ષ ૨૦૨૨ સુધીમાં વિશાળ હૉસ્પિટલનું નિર્માણ થઈ જશે. વડા પ્રધાન મોદીએ ૨૦૨૦ તકલીફોથી ભરેલું રહ્યું હોવાની વાત કરી અને ૨૦૨૧માં આશાઓ દેખાઈ રહી હોવાની વાત કરી. તેમણે કહ્યું કે ભારતમાં રસી આવતા વાર નહીં લાગે, પણ દવા આવ્યા પછી પણ સુરક્ષાનું પાલન કરવા લોકોને સૂચન કર્યું છે. વૅક્સિનને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવાની પણ મોદીએ સલાહ આપી છે.

ભારતમાં કોરોના વૅક્સિન માટે ચાલી રહેલી અંતિમ તૈયારી અંગે વાત કરતાં વડા પ્રધાન મોદીએ કહ્યું, ‘વૅક્સિનને લઈને ભારતમાં તમામ જરૂરી તૈયારીઓ ચાલી રહી છે. ભારતમાં બનેલી વૅક્સિન ઝડપથી તમામ જરૂરી વર્ગ સુધી પહોંચાડાશે, એના માટેની તમામ કોશિશો અંતિમ તબક્કામાં છે. દુનિયાના સૌથી મોટા રસીકરણ અભિયાન માટે ભારતમાં પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. જે રીતે પાછલા વર્ષે સંક્રમણને રોકવા માટે આપણે એક થઈને પ્રયાસ કર્યા એ જ રીતે રસીકરણને સફળ બનાવવા માટે એકતા સાથે આગળ વધવાનું છે.’

વડા પ્રધાન મોદીએ પોતાના ભાષણના અંતમાં ગુજરાતીમાં રાજકોટવાસીઓ અને ગુજરાતના લોકોને કોરોના સામે લડવા માટે એક રહેવા માટે જણાવ્યું હતું. આ સાથે તેમણે લોકોને કહ્યું કે ૨૦૨૦માં સૂત્ર હતું કે દવા નહીં ત્યાં સુધી ઢીલાસ નહીં, પરંતુ ૨૦૨૧નો નવો મંત્ર હશે - દવા પણ, કડકાઈ પણ. તેમણે કહ્યું કે દવા આવી જાય એટલે નિશ્ચિંત થઈ જવાની જરૂર નથી, પરંતુ સુરક્ષિત રહીને આગળ વધવાની જરૂર છે.

રાજકોટમાં આકાર પામનારી એઇમ્સના ખાતમુરત કાર્યક્રમ દરમિયાન ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્ય પ્રધાન વિજય રુપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન હર્ષવર્ધન, કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્યપ્રધાન અશ્વિની ચૌબે ઉપસ્થિત રહ્યા હતા.

gujarat rajkot narendra modi