ગુજરાતમાં દોઢ વર્ષ બાદ ખૂલશે પ્રાથમિક શાળા, સોમવારથી શરૂ થશે વર્ગો

21 November, 2021 10:32 PM IST  |  Gandhinagar | Gujarati Mid-day Online Correspondent

અગાઉ ધોરણ 6થી કૉલેજ સુધીના વિદ્યાર્થીઓનો ઓફલાઈન અભ્યાસ શરૂ થઈ ગયો છે.

તસવીર/એએફપી

દોઢ વર્ષના લાંબા ગાળા બાદ ગુજરાત સરકારે હવે ધોરણ 1 થી 5 સુધીની શાળાઓ ફરીથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં સોમવાર એટલે કે 22 નવેમ્બરથી પ્રાથમિક વર્ગના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ફરી શરૂ કરવામાં આવશે. જોકે, હવે બાળકો વાલીઓની સંમતિથી જ શાળાએ આવી શકશે. બાળકોને ચેપના જોખમથી બચાવવા માટે તમામ જરૂરી કોરોના સાવચેતીઓનું પાલન કરવામાં આવશે. શાળામાં માસ્ક, સેનિટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો લાગુ પડશે.

અગાઉ ધોરણ 6થી કૉલેજ સુધીના વિદ્યાર્થીઓનો ઓફલાઈન અભ્યાસ શરૂ થઈ ગયો છે. રાજ્ય સરકારે હવે 600 દિવસથી વધુ સમયથી બંધ રહેલા પ્રાથમિક વર્ગો માટે ઓફલાઈન વર્ગો શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓ 600થી વધુ દિવસોથી શાળામાં પાછા ફરવા જય રહ્યા છે.

રાજ્ય સરકારે પૂર્વ-પ્રાથમિક વર્ગો ફરીથી ખોલવા અને લાંબા સમય સુધી ઓનલાઈન વર્ગોને કારણે શિક્ષણના તફાવતને દૂર કરવા અંગેની ભલામણો આપવા માટે 11 સભ્યોની સમિતિની રચના કરી હતી. આ સમિતિની ભૂમિકા શીખવાની ખોટને દૂર કરવાના માર્ગો સૂચવવા સુધી મર્યાદિત છે. વર્ગો ફરીથી શરૂ કરવા અંગેનો અંતિમ નિર્ણય રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આરોગ્ય વિભાગ સાથે પરામર્શ કરીને લેવામાં આવ્યો છે.

gujarat news gandhinagar