ઉત્તરાખંડ પછી હવે ગુજરાતમાં યુનિફૉર્મ સિવિલ કોડ લાગુ કરવાની તૈયારી શરૂ

18 March, 2026 09:36 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

સુપ્રીમ કોર્ટનાં નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં બનેલી સમિતિએ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને સોંપ્યો અહેવાલઃ ૨૪ માર્ચે વિધાનસભામાં રજૂ થઈ શકે છે બિલ

સુપ્રીમ કોર્ટનાં નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં બનેલી સમિતિએ ભૂપેન્દ્ર પટેલને અહેવાલ સોંપ્યો હતો.

ઉત્તરાખંડ પછી હવે ગુજરાતમાં યુનિફૉર્મ સિવિલ કોડ (UCC) એટલે કે સમાન નાગરિક સંહિતાના અમલીકરણની તૈયાર થઈ ગઈ છે. આ માટે રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિએ પોતાનો વિસ્તૃત અને આખરી અહેવાલ ગઈ કાલે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને સોંપ્યો હતો. સુપ્રીમ કોર્ટનાં નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં બનેલી સમિતિએ ઝીણવટભર્યા અભ્યાસ અને રાજ્યના જિલ્લાઓની મુલાકાત લઈને લોક-અભિપ્રાય મેળવીને તથા જનસંપર્ક બાદ ચર્ચા-વિચારણાના આધારે તૈયાર કરેલા અહેવાલના ૩ વૉલ્યુમ રાજ્ય સરકારને સોંપ્યા હતા.  

અહેવાલ સોંપતી વખતે પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતુ. એમાં લગ્ન, છૂટાછેડા, વારસાગત મિલકત અને દત્તક લેવા જેવા મુદ્દાઓ પર તમામ ધર્મો અને સમુદાયો માટે સમાન કાયદાકીય માળખું આ ડ્રાફ્ટ અહેવાલમાં સમિતિ દ્વારા સૂચવવામાં આવ્યું છે. વિશેષ કરીને મહિલાઓના સમાન અધિકારો અને સુરક્ષાને આ ડ્રાફ્ટમાં પ્રાથમિકતા આપવામાં આવી છે, એટલું જ નહીં, ગુજરાતની ભૌગોલિક અને સાંસ્કૃતિક વિવિધતાને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટનાં નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં બનેલી સમિતિમાં નિવૃત્ત ઇન્ડિયન ઍડ્મિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS) સી. એલ. મીણા, વરિષ્ઠ ઍડ્વોકેટ આર. સી. કોડેકર, ભૂતપૂર્વ કુલપતિ ડૉ. દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર ગીતા શ્રોફનો સમાવેશ થયેલો છે. 

આ રિપોર્ટ ૨૩ માર્ચે વિધાનસભામાં રજૂ કરવામાં આવશે. ૨૪ માર્ચે વિધાનસભામાં બિલ રજૂ કરવાની સંભાવના છે. ૨૪ માર્ચ એ બજટ સત્રનો અંતિમ દિવસ પણ છે. જો આ બિલ પાસ થઈ જશે તો ઉત્તરાખંડ પછી ગુજરાત UCC લાગુ કરનારું ભારતનું બીજું રાજ્ય બનશે.

gujarat news gujarat police gujarat government bhupendra patel