ભૂકંપમાં દટાયેલા ૧૮૫ વિદ્યાર્થીઓની યાદમાં બન્યું વીર સ્મારક, પીએમ કરશે લોકાર્પણ

26 August, 2022 08:53 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ આ વિદ્યાર્થીઓની સ્મૃતિમાં સ્મારક બનાવવાની જાહેરાત કરી હતી, જે હવે સાકાર થઈ, આ મ્યુઝિયમ પાંચ વિભાગમાં છે, જેમાં બાળકોની તસવીરો તેમ જ ભૂતકાળનાં સ્મરણો રજૂ કરાયાં છે

વીર બાળક સ્મારક

૨૦૦૧ના વર્ષમાં ભૂકંપમાં કચ્છના અંજારમાં ધરબાઈ ગયેલા ૧૮૫ વિદ્યાર્થીઓની યાદમાં બનાવાયેલું વીર બાળક સ્મારક ૨૮ ઑગસ્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરી દિવંગત બાળકોને સમર્પિત કરશે. આ ઉપરાંત ગુજરાતના પ્રથમ સોલર-પાવર સંચાલિત ૧૯૦ કરોડ રૂપિયાના ખર્ચે બનેલા દૂધ-પ્લાન્ટનું પણ તેઓ લોકાર્પણ કરશે. વડા પ્રધાન કચ્છની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેમના કાર્યક્રમની તૈયારીઓની ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગઈ કાલે ભુજ ખાતે સમીક્ષા કરી હતી અને કાર્યક્રમ સ્થળોની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું.

ગુજરાતમાં બે દિવસના પ્રવાસે આવી રહેલા દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભુજ, ગાંધીધામ સહિતના કચ્છમાં નવનિર્મિત અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. ૨૬ જાન્યુઆરીમાં આવેલા ભૂકંપમાં અંજારમાં શાળાના ૧૮૫ વિદ્યાર્થીઓ અને ૨૦ શિક્ષકો રૅલીમાં જઈ રહ્યાં હતાં ત્યારે આસપાસની ઇમારતોના કાટમાળ નીચે દટાઈ જવાથી મૃત્યુ પામ્યાં હતાં. હૃદયને હચમચાવી મૂકતી આ ઘટનાથી ગમગીની છવાઈ ગઈ હતી. તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓની સ્મૃતિમાં સ્મારક બનાવવાની જાહેરાત કરી હતી. એ સ્મારક અંજારની બહાર તૈયાર થયું છે. વડા પ્રધાન એનું લોકાર્પણ કરશે ત્યારે દિવંગતોના પરિવારના ૧૦૦ સભ્યો પણ ઉપસ્થિત રહે એ માટે તેમને આમંત્રણ પાઠવ્યું છે.

દિવંગત બાળકોને સમર્પિત થનારું આ મ્યુઝિયમ પાંચ વિભાગમાં છે, જેમાં બાળકોની તસવીરો તેમ જ ભૂતકાળનાં સ્મરણો રજૂ કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત જ્ઞાન-વિજ્ઞાન વિભાગમાં ભૂકંપ આવવાની પ્રક્રિયા, વૈજ્ઞાનિક કારણો પણ સમજાવાશે. ભૂકંપનો અનુભવ થઈ શકે એ માટે એક વિશેષ રૂમ બનાવ્યો છે, જ્યાં સિમ્યુલેટરની મદદથી ભૂકંપની અનુભૂતિ કરાવવામાં આવશે. મ્યુઝિયમની બહાર મેમોરિયલ બનાવ્યું છે. અહીં ભોગ બનેલાં બાળકો અને શિક્ષકોનાં નામ અને તસવીર મૂકવામાં આવ્યાં છે. તેમને શ્રદ્ધાંજલિ આપવા પ્રકાશપુંજ બનાવ્યો છે, જેમાંથી નીકળતો પ્રકાશ સમગ્ર અંજાર શહેરમાં દેખાશે.

કચ્છના ચાંદ્રાણીમાં ગુજરાતના પ્રથમ સોલર-પાવર સંચાલિત ૧૯૦ કરોડ રૂપિયાના ખર્ચે બનેલા નવનિર્મિત દૂધ-પ્લાન્ટનું નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે. સરહદ ડેરીના ચૅરમૅન વલમજી હુંબલે કહ્યું હતું કે સોલર-પાવરથી સંચાલિત પ્લાન્ટની ક્ષમતા વધતાં વધુ બે લાખ લિટર દૂધ તથા એની બનાવટને અમૂલ બ્રૅન્ડ હેઠળ કચ્છ તથા નજીકના જિલ્લાઓમાં વેચાણાર્થે મૂકી શકાશે.

ભુજમાં રીજનલ સાયન્સ સેન્ટર બનાવ્યું છે. ૧૦ એકરમાં ફેલાયેલા આ સેન્ટરને કચ્છની સંસ્કૃતિને અનુરૂપ ભૂંગા આકારની ડિઝાઇનમાં તૈયાર કરવામાં આવ્યું છે, જેનું લોકાર્પણ નરેન્દ્ર મોદી કરશે. વિજ્ઞાન ક્ષેત્રે રસ ધરાવતા દેશ-વિદેશના જિજ્ઞાસુપ્રેમી પ્રવાસીઓ માટે આ સેન્ટર નજરાણું બની રહેશે. સ્મૃતિવન નજીક માધાપર રિંગ રોડ પર બનેલા અત્યાધુનિક સેન્ટરમાં મરીન નેવિગેશન ગૅલરી, સ્પેસ સાયન્સ ગૅલરી, નેનો ટેક્નૉલૉજી ગૅલરી, બોસાઈ ગૅલરી સહિત ૬ થીમ ગૅલરી, વૈધશાળા સહિતનાં આકર્ષણો છે.

નરેન્દ્ર મોદી ૧૭૪૫ કરોડ રૂપિયાના ખર્ચે બનેલી કચ્છ-ભુજ બ્રાન્ચ કનૅલ (માંડવી)નું લોકાર્પણ કરશે. કચ્છ શાખા નહેરથી જિલ્લાનાં ૧૮૨ ગામોને ૨,૭૮, ૫૬૧ એકર પિયત વિસ્તારમાં સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જિલ્લાનાં બધાં જ ૯૪૮ ગામો તેમ જ ૧૦ નગરોમાં પીવાનું પાણી પૂરું પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે.

કચ્છના ઔદ્યોગિક હબ બનેલા ગાંધીધામને નવું નજરાણું મળવા જઈ રહ્યું છે. ગાંધીધામમાં આદિપુર-ગાંધીધામને જોડતા ટાગોર રોડ પર સાડાત્રણ લાખ ચોરસ ફુટમાં બનેલા સંકુલમાં ૧૨૦૦ વ્યક્તિની બેઠક-વ્યવસ્થા છે. હૉલની બહાર ૫૦૦ વ્યક્તિઓ બેસી શકે એવી સુવિધા સાથે ૩૯ કરોડ રૂપિયાના ખર્ચે દીનદયાળ પોર્ટ ઑથૉરિટી દ્વારા નિર્મિત આધુનિક સુવિધા સાથેનું ડૉ. બાબાસાહેબ આંબેડકર કન્વેન્શન સેન્ટર નરેન્દ્ર મોદી ખુલ્લું મૂકશે. ગાંધીનગરમાં આવેલા મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર બાદ ગુજરાતમાં આ બીજા નંબરનું સૌથી મોટું કન્વેન્શન સેન્ટર બન્યું છે.

gujarat news gujarat kutch shailesh nayak