કચ્છડો મુજે દિલજે બોરો આય

16 December, 2020 08:11 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

કચ્છડો મુજે દિલજે બોરો આય

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે કચ્છમાં કચ્છી ભાષામાં વાત કરતાં કહ્યું હતું કે ‘કી આતો કચ્છી માડુઓ. શી કેડો આય? શિયાળો અને કોરોના બોયમેં ધ્યાન રખજા. આજ કચ્છ અચી મૂકે બેવડી ખુશી થઈરય આય. બેવડી એટલે આય કે કચ્છડો મુજે દિલજે બોરો આય.’

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે તેમના સંબોધનની શરૂઆત કચ્છી ભાષામાં કરી હતી. લગભગ એક મિનિટ સુધી કચ્છી ભાષામાં વાત કરીને સ્થાનિક લોકો સાથે આત્મીયતા કેળવીને કોરોનાથી સચેત રહેવા કચ્છી ભાષામાં બોલ્યા હતા. નરેન્દ્ર મોદી જાણે કે કચ્છીઓ પર ઓળઘોળ થઈ ગયા હતા અને તેમના ખબરઅંતર પૂછતાં કચ્છી ભાષામાં કહ્યું હતું કે ‘કેમ છો? ઠંડી કેવી છે? આજે કચ્છ આવીને મને બેવડી ખુશી થઈ છે. કચ્છ તો મારા દિલમાં છે.’

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છી ભાષામાં વાત કરીને કચ્છીઓને આશ્ચર્યમાં મૂકી દીધા હતા.

નરેન્દ્ર મોદીએ કચ્છ અને કચ્છીઓના ખમીરને બિરદાવતાં કહ્યું હતું કે ‘ભૂકંપે ભલે તેમનાં ઘર પાડી નાખ્યાં હતાં પણ આટલો મોટો ભૂકંપ પણ કચ્છના લોકોનું મનોબળ તોડી શક્યો નહીં. કચ્છનાં મારાં ભાઈ-બહેન ફરી ઊભાં થયાં અને આજે જુઓ આ ક્ષેત્રને તેમણે ક્યાંથી ક્યાં પહોંચાડી દીધું છે. આજે કચ્છની ઓળખ બદલાઈ ગઈ છે. આજે કચ્છની શાન ઓર તેજીથી વધી રહી છે. આજે કચ્છ દેશનાં તેજીથી વિકસિત થતાં ક્ષેત્રોમાંથી એક અહમ ક્ષેત્ર બની ગયું છે.’

gujarat kutch narendra modi shailesh nayak