નરેન્દ્ર મોદીએ મહેશ અને નરેશ કનોડિયાના કુટુંબની મુલાકાત લીધી

30 October, 2020 01:42 PM IST  |  Gandhinagar | Gujarati Mid-day Online Correspondent

નરેન્દ્ર મોદીએ મહેશ અને નરેશ કનોડિયાના કુટુંબની મુલાકાત લીધી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહેશ કનોડિયા અને નરેશ કનોડિયાના પરિવારની મુલાકાત લીધી. બંન્ને ભાઇઓનું તાજેતરમાં સાવ ગણતરીના દિવસોના અંતરે મૃત્યુ થયું છે ત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સ્ટારડમ અને પ્રખ્યાતી મેળવનારા કનોડિયા ભાઇઓના પરિવારની શોકના સમયમાં વડાપ્રધાને મુલાકાત લીધી હતી.


વડાપ્રધાને શ્રધ્ધાંજલી આપી અને ઘરનાં સભ્યો સાથે વાતચીત કરી હતી. નરેશ કનોડિયાના દિકરા અને એક્ટર હિતુ કનોડિયા તેમનાં પત્ની અને દીકરા સાથે વડાપ્રધાન સાથેની આ મુલાકાતમાં હાજર હતા.
શુક્રવારે મોદીએ તેમના ઘરે જઇ પરિવારને ધીરજ બંધાવી હતી. ગાયક અને સંસદ મહેશ કનોડિયા 25મી ઑક્ટોબરે પોતાના ગાંધીનગરના ઘરે જ લાંબી માંદગી બાદ 83 વર્ષની વયે ગુજરી ગયા અને તેમના ભાઇ તથા ગુજરાતી ફિલ્મોના સુપર સ્ટાર નરેશ કનોડિયા એ પછીના મંગળવારે ગુજરી ગયા.


આ ટેલેન્ટેડ જોડીની વિદાય પર ખેદ વ્યક્ત કરતા મોદીએ કહ્યું કે, "બે દિવસના ગાળામાં જ આપણે મહેશભાઇ અને નરેશભાઇને ગુમાવ્યા. તેમણે પોતાની ટેલેન્ટથી ગુજરાતી કલ્ચરને જે આપ્યું છે ખાસ કરીને સંગીત અને નાટકો તથા ફિલ્મોના વિશ્વમાં તે ક્યારેય નહીં ભૂલી શકાય. તેમના કારણે ગુજરાતી ગીતોને આટલી પૉપ્યુલારિટી મળી છે. તેમણે સમાજ માટે અને વંચિતો માટે ખૂબ કામ કર્યું છે."


આ પહેલાં જ નરેન્દ્ર મોદીએ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું. હાલમાં નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસની સફર પર આવ્યા છે અને કોરોના વાઇરસને કારણે થયેલા લૉકડાઉન પછી તેમની આ ગુજરાતની પહેલી મુલાકાત છે. તેઓ સરદાર વલ્લભ ભાઇ પટેલના જન્મદિવસ નિમિત્તે, રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી માટે ગુજરાત આવ્યા છે. તેઓ અનેક પ્રોજેક્ટની જાહેરાત કરશે જેમાં કેવડિયા અને અમદાવાદ વચ્ચેના સી-પ્લેનના લૉન્ચની જાહેરાત પણ કરાશે.

વડાપ્રધાનની ઑફિશ્યલ વેબસાઇટ અનુસાર તેઓ એકતા ક્રૂઝ સર્વિસની જાહેરાત કરશે જે સ્ટેચ્યુ ઑફ યુનિટી અને ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક માટે શરૂ કરાઇ છે. આ સાથે તેઓ સ્ટેચ્યુ ઑફ યુનિટીની વેબસાઇટનું, યુએનની બધી જ ભાષાઓમાં પણ ઉદ્ઘાટન કરશે અને સાથે કેવડિયા એપ્પનું પણ ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ યુનિટી ગ્લો ગાર્ડનમાં યોજાશે.

 

narendra modi gandhinagar gujarat