વડાપ્રધાને એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ-વેનું ઇ-લોકાર્પણ કર્યું

24 October, 2020 01:07 PM IST  |  Junagadh | Gujarati Mid-day Online Correspondent

વડાપ્રધાને એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ-વેનું ઇ-લોકાર્પણ કર્યું

તસવીર સૌજન્ય: એએનઆઈ

આજે નવરાત્રિ ઉત્સવની અષ્ટમીએ જૂનાગઢના ગિરનારમાં એશિયાના સૌથી ઊંચા અને લાંબા ગીરનાર રોપ-વેનું ઇ-લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ના હસ્તે કરવામાં આવ્યું. વડાપ્રધાને તેમના ડ્રીમ પ્રોજેક્ટનું દિલ્હીથી ઇ-લોકાર્પણ કર્યું. જૂનાગઢમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી (Vijay Rupani) ઉપસ્થિત રહ્યા હતા જ્યાંથી ગિરનાર રોપ-વેનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જૂનાગઢ ખાતે આ રોપ-વે ઉષાબ્રેકો કંપની દ્વારા 130 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. હવે 2.3 કિલોમીટર લાંબા ગિરનાર પર અંબાજી સુધી જતા માત્ર આઠ મિનિટ થશે.

એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ-વેના ઇ-લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાને તેમના સંબોધનમાં કહ્યું હતું કે, આજે જે રોપ-વેની શરૂઆત થઈ તે ગિરનાર રોપ-વે જૂનાગઢ ખાતે રાજ્યનો ચોથો રોપ-વે છે. જો પહેલાની સરકારે હાડકાં ન નાખ્યા હોત તો આ રોપ-વેનો લાભ બહુ પહેલાં જ મળી ગયો હોત. જ્યારે રાષ્ટ્રને સુવિધા આપનારા પ્રોજેક્ટ આટલા લાંબા સમય સુધી અટકી રહ્યો ન હોત તો તો લોકોને ખૂબ પહેલાં આ સુવિધાઓ મળી ગઈ હોત. આ રોપ-વે આસ્થાનું કેન્દ્ર અને ટુરિઝમ છે. ગુજરાતમાં અનેક ક્ષેત્રોમાં અપાર સ્થાનો છે. રાજ્યમાં અનેક ધાર્મિક સ્થળો છે. રાજ્યના દરેક ખુણે શક્તિરૂપેણ માતાઓ અપાર શક્તિ આપે છે. ગિરનારનો આ રોપ-વે સ્થાનિક યુવકોને રોજગારી આપશે. આપે સૌએ જોયું હશે કે દ્વારકા પાસેના શિવરાજપુરને બ્લૂ ફ્લેગ સર્ટિફિકેશન મળ્યું છે. આ સ્થળોને વિકસિત કરવાથી વધારેને વધારે લોકો આવશે. સ્થાનિક રોજગાર વધશે.

ગિરનાર રોપ વેની વિશેષતાઓ:

ગીરનાર રોપ-વે પ્રોજેક્ટ ભવનાથ તળેટીથી લઈને અંબાજી મંદિર સુધી 2.3 કિમી લાંબો છે. કુલ 9 ટાવર ઉભા કરાયા છે, સૌથી ઊંચા ટાવરની ઉંચાઈ 67 મીટર છે.25 ટ્રોલીમાં રોજ 8,000 મુસાફરોને રોજ આવનજાવન કરાવી શકશે. એક ટ્રોલીમાં 8 વ્યક્તિ બેસી શકશે. 36 સેકન્ડે ટ્રોલી ઉપડશે અને એક કલાકમાં 800 શ્રદ્ધાળુઓ 25 ટ્રોલીમાં અંબાજી મંદિરે પહોંચી જશે. આ રોપ-વે એશિયાનો સૌથી મોટો રોવ-વે પ્રોજેક્ટ છે, જ્યારે વિશ્વનો સૌથી મોટો ટેમ્પલ રોપ-વે પ્રોજેક્ટ છે. રોપ-વે પીપીપી મોડલથી બન્યો છે જેનો કુલ ખર્ચ 130 કરોડ છે.

ટિકિટના દર:

જૂનાગઢ રોપ-વેની ટિકિટનો દર કંપની દ્વારા નક્કી કરાયો છે. આ રોપ-વેમાં મુસાફરી કરવા માટે બંને બાજુના ટિકિટના દર 700 રૂપિયા રાખવામાં આવ્યો છે. વ-વે ટિકિટનો દર 400 રૂપિયા છે જ્યારે 5-10 વર્ષના બાળકો માટે 350 રૂપિયા ટિકિનો દર છે. જ્યારે 5 વર્ષથી ઓછી ઊંમરના બાળકોની ટિકિટ નહીં લેવી પડે. આ રોપવેનું સંચાલન કરનારની કંપનીને 98 વર્ષની લીઝ પર આપવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં પાવાગઢ ખાતે 763 મીટરનો રોપવે, અંબાજી ખાતે 363 મીટરનો રોપવે અને પાવાગઢમાં પ્રાઈવેટ રોપવે કાર્યરત છે. જ્યારે ગિરનારનો રોપ-વે ગુજરાતનો ચોથો રોપ-વે બનશે.

gujarat junagadh narendra modi Vijay Rupani