ગુજરાત સ્થાપના દિવસ: વડાપ્રધાને ગુજરાતીમાં ટ્વીટ કરીને આપી શુભેચ્છા

01 May, 2020 03:42 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

ગુજરાત સ્થાપના દિવસ: વડાપ્રધાને ગુજરાતીમાં ટ્વીટ કરીને આપી શુભેચ્છા

આજે ગુજરાતનો 60 મો સ્થાપના દિવસ છે

આજે ગુજરાત રાજ્યનો 60મો સ્થાપના દિવસ છે. ત્યારે ગુજરાતને અને ગુજરાતવાસીઓને આખા દેશમાંથી શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે. રાજ્યના પનોતા પુત્ર અને દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રાજ્યવાસીઓને ગુજરાત દિવસની શુભેચ્છાઓ પાઠવી છે. વડાપ્રધાને ગુજરાતીમાં ટ્વીટ કરીને શુભેચ્છા આપી છે. રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કોરોનાને પરાસ્ત કરવા સંકલ્પ લેવાની વિનંતી કરી છે. તે સિવાય ગૃહ પ્રધાન અમિત શાહ, હિમાચલના મુખ્ય પ્રધાન, મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન, યોગી આદિત્યનાથે પણ શુભેચ્છા આપી છે.

વડાપ્રધાને ટ્વીટમાં લખ્યું હતું કે, 'ગુજરાતની જનતાને રાજ્યના સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ! ગુજરાતની પ્રજા પુરુષાર્થ માટે જાણીતી છે. ગુજરાતીઓએ ઘણાં બધાં ક્ષેત્રોમાં વિશેષ યોગદાન આપ્યું છે. ગુજરાત સદૈવ સિદ્ધિઓનાં નવાં શિખરો સર કરતું રહે એવી મનોકામના... જય જય ગરવી ગુજરાત!'

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુજરાત દિવસની શુભેચ્છાઓ આપી હતી અને વિડિયો મેસેજ કરીને સંકલ્પ લીધો હતો કે, 'હું માસ્ક પહેર્યા વગર બહાર નીકળીશ નહિ, હું સોશ્યલ ડીસ્ટન્સનું ધ્યાન રાખીશ, દો ગજ દૂરી સંકલ્પનું પાલન કરીશ, હું દિવસમાં વારંવાર સાબુથી હાથ ધોઈશ અને સેનેટાઇઝ કરીશ.'

તેમજ મુખ્યપ્રધાને #VijaySankalp સાથે જનતાને પણ આજના ગુજરાત દિન નિમિત્તે આ સંક્લપ લેવાનું કહ્યું હતું.

દરમ્યાન ગુજરાતના 60મા સ્થાપના દિવસ નિમિત્તે મુખ્ય પ્રધાન દ્વારા રાજ્યના મધ્યમવર્ગીય પરિવારોને અનોખી ભેટ અપાઈ તેની પણ જાહેરાત કરવામાં આવી હતી.

ગૃહ પ્રધાન અમિત શાહે ગુજરાતનો જયજયકાર કર્યો હતો અને શુભેચ્છાઓ આપી હતી.

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ગુજરાતની જનતાને શુભેચ્છાઓ આપી હતી અને ગુજરાતના વિકાસની કામના કરી હતી.

હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન જયરામ ઠાકુરે પણ શુભેચ્છા પાઠવી હતી.

મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંગ ચૌહાણે ગુજરાતને પુણ્યધરા કહી હતી અને શુભેચ્છાઓ આપી હતી.

ભાજપના જગત પ્રકાશ નડ્ડાએ પણ ગુજરાત સ્થાપના દિવસની શુભકામના આપી હતી.

એટલું જ નહીં, મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના #VijaySankalp ને ગુજરાતની જનતા ભરપુર સપોર્ટ કરી રહી છે અને સંકલ્પ પણ લઈ રહી છે.

gujarat narendra modi Vijay Rupani amit shah yogi adityanath