પીએમ મોદીના ભાઈ પ્રહલાદ મોદી સરકાર વિરુદ્ધ ધરણા પર ઊતરશે

30 November, 2019 09:48 AM IST  |  Gandhinagar

પીએમ મોદીના ભાઈ પ્રહલાદ મોદી સરકાર વિરુદ્ધ ધરણા પર ઊતરશે

પ્રહલાદ મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ પ્રહલાદ મોદી કેન્દ્ર સરકાર વિરુદ્ધ બીજી ડિસેમ્બરના ધરણા પર બેસશે. પ્રહલાદ મોદીનું કહેવું છે કે પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમમાં અનિયમિતતા છે. સાથે જ તેમની માગ છે કે ભારતને ભૂખમરામુક્ત બનાવવામાં આવે. તેઓ ઑલ ઇન્ડિયા ફેર પ્રાઇસ શૉપ ડીલર્સ ફેડરેશનના સભ્યોની સાથે ધરણા પર બેસશે. પ્રહલાદ મોદી આ ફેડરેશનના વાઇસ પ્રેસિડન્ટ છે.
આ ફેડરેશનના અંતગર્ત લગભગ ૫,૨૭,૩૨૨ રૅશન ડીલર્સ આવે છે. ફેર પ્રાઇસ શૉપ લાઇસન્સ હેઠળ રૅશન કાર્ડધારકોને જરૂરિયાતની વસ્તુઓ જેવી કે ચોખા, ઘઉં વહેંચવામાં આવે છે. ખાવાની વસ્તુઓની કિંમતોમાં જે રીતે વધારો થઈ રહ્યો છે એને નિયંત્રણમાં લાવવા માટે રેશન ડિસ્ટ્રિબ્યુશનની વ્યવસ્થાને વધારે મજબૂત બનાવવાની જરૂર છે, પણ જે રીતે મોદી સરકાર સંસ્થાઓને ખાનગી કંપનીઓના હાથે સોંપી રહી છે એનાથી વ્યવસ્થા પર ખતરો જોવા મળી રહ્યો છે એવું ફેડરેશનના જનરલ સેક્રેટરીનું કહેવું છે. ફેર પ્રાઇસ શૉપના માલિકોનું પ્રતિનિધિત્વ કરનાર આ ફેડરેશનની માગ છે કે પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમમાં અનિયમિતતા અને ભારતને ભૂખમરામાંથી દૂર કરવામાં આવે. તેમની માગ છે કે ‘વન નેશન વન રૅશન કાર્ડ’ સ્કીમને પરત લેવામાં આવે. રૅશન કાર્ડની સાથે આધાર સીડિંગના પ્રવર્તનને બંધ કરવામાં આવે. ‘વન નેશન વન રૅશન કાર્ડ’ સ્કીમમાં ઈપીઓએસ મશીનોને ફરજિયાત કરાઇ છે, જેમાં ટેક્નિકલ ખામી હોવાને કારણે લોકોને રૅશન મળવામાં મુશ્કેલી ઊભી થાય છે.

gujarat gandhinagar