વતનમાં વડાપ્રધાનઃ શું મોદી મેજિક બચાવી શકશે આ બેઠકોને?

17 April, 2019 12:13 PM IST  |  ગાંધીનગર

વતનમાં વડાપ્રધાનઃ શું મોદી મેજિક બચાવી શકશે આ બેઠકોને?

વતનમાં છે વડાપ્રધાન

23 એપ્રિલે ગુજરાતમાં મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે આજથી બે દિવસ માટે વડાપ્રધાન મોદી ગુજરાતમાં છે. બે દિવસમાં તેઓ સુરેન્દ્રનગર, આણંદ, હિંમતનગર અને અમરેલીમાં જનસભા કરશે.

વડાપ્રધાન મોદી બુધવારે સાબરકાંઠાથી ઉમેદવાર દીપસિંહ રાઠોડ માટે હિંમતનગરમાં સભાને સંબોધન કરશે. ત્યાર બાદ બપોરે 3 વાગ્યે સુરેન્દ્રનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર જાહેર સભાને સંબોધન કરશે. સાંજે પાંચ વાગ્યે આણંદ લોકસભા બેઠકના ઉમેદવાર મિતેષ પટેલ માટે વલ્લભ વિદ્યાનગરમાં સભા કરશે.

વડાપ્રધાન મોદીના ગુરૂવારને કાર્યક્રમ પર નજર કરીએ તો તેઓ ગાંધીનગરમાં રાજભવનમાં રોકાણ કર્યા બાદ તેઓ અમરેલીમાં જનસભાને સંબોધન કરશે. અમરેલીથી નારણ કાછડિયા ઉમેદવાર છે. જેમની સામે વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી મેદાનમાં છે.

ફરી ચાલશે મોદી મેજિક?
વડાપ્રધાન મોદી તેમના આ પ્રવાસ દરમિયાન જે લોકસભા બેઠક પર પ્રચાર કરવાના છે ત્યાં ભાજપ માટે કપરાં ચઢાણ જોવા મળી રહ્યા છે. ગુજરાત પોલીસના IBના અહેવાલો પ્રમાણે કેટલીક બેઠકો એવી છે જ્યાં ભાજપને મુશ્કેલી પડી શકે છે.

આ પણ વાંચોઃ લોકસભા 2019: ગુજરાતમાં ભાજપના હાથમાંથી સરકી શકે છે આ બેઠકો

આણંદમાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભાજપના મિતેષ પટેલને ટક્કર આપી રહ્યા છે તો સુરેન્દ્રનગરમાં દેવજી ફતેપરાનું પત્તું કપાતા તેઓ નારાજ છે. તો અમરેલીમાં નારણ કાછડિયાની સામે નેતા વિપક્ષને મેદાનમાં ઉતારી કોંગ્રેસે મોટો દાવ રમ્યો છે. જેથી આ બેઠકો પર મોદી મેજિક ચાલે તો જ ઉમેદવારોને જીત મળવાની આશા છે.

narendra modi Loksabha 2019 Gujarat BJP Gujarat Congress